'જે ખેલે એ ખીલે..', ખેલ મહાકુંભ 3.0નો રાજકોટથી મુખ્યમંત્રીના હસ્તે પ્રારંભ, લાખો રમતવીરો લેશે ભાગ
Khel Mahakumbh 3.0 : રાજકોટમાં આજે શનિવારે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ખેલ મહાકુંભ 3.0નો પ્રારંભ કરાવ્યો. આ પ્રસંગે હર્ષ સંઘવી સહિતના નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા. જેમાં મુખ્યમંત્રીએ ખેલ મહાકુંભ 2.0માં શાનદાર પ્રદર્શન કરનારી શાળા, જિલ્લાઓ, મહાનગરપાલિકાઓને એવોર્ડ-પુરસ્કારો આપીને સન્માનિત કર્યા હતા.
રાજ્ય સરકારના રમત-ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ તથા સ્પોર્ટસ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા આયોજીત ખેલ મહાકુંભ 3.0 નો રાજકોટમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે પ્રારંભ કરાયો. આ રમત-ગમત રાજ્ય મંત્રી હર્ષ સંઘવી, કુવરજીભાઈ બાવળીયા, ભાનુબેન બાબરીયા અને રજકોટ શહેરના ધારાસભ્યઓ અને મેયર સહિતના નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા. આ દરમિયાન મુખ્યમંત્રીએ કહ્યું કે, 'ગુજરાતના રમતવીરોને વર્લ્ડ ક્લાસ ઈન્ફ્રાસ્ટ્રક્ચર આપવાની સરકારની નેમ છે. રાજ્યના યુવાનોને રમત-ગમત તરફ પ્રેરિત કરવામાં ખેલ મહાકુંભ જેવા કાર્યક્રમો મહત્ત્વનો ભાગ ભજવે છે. આપણા યુવાનો દેશ અને રાજ્યનું નામ રોશન કરે તેવી મારી કામના છે.'
મુખ્યમંત્રીએ શું કહ્યું?
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તેમના સોશિયલ મીડિયા માધ્યમ 'X' પર પોસ્ટ શેર કરીને જણાવ્યું હતું કે, 'જે ખેલે એ ખીલે.. ગુજરાતના સૌથી મોટા રમતોત્સવ ખેલ મહાકુંભ 3.0 નો રાજકોટની ધરતી પરથી શુભારંભ કરાવ્યો. આ વર્ષના ખેલ મહાકુંભમાં રેકોર્ડ 71.30 લાખથી વધુ રમતવીરો ભાગ લેવા જઈ રહ્યા છે તે ખૂબ આનંદની વાત છે. આ રમતોત્સવમાં 9 વર્ષથી નાની વયથી લઈને 60 વર્ષથી વધુ વયના ખેલાડીઓ 39 જેટલી રમતોમાં ભાગ લેશે, જેમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર રમતવીરોને રૂ. 10 હજારથી લઈને રૂ. 5 લાખ સુધીના પુરસ્કાર આપવામાં આવશે. દિવ્યાંગ ખેલાડીઓ પણ રમતગમતના આ અવસરને ઝીલી શકે તે માટે સ્પે. ખેલ મહાકુંભનું પણ આયોજન કરવામાં આવ્યુ છે.'