વડોદરામાં ખેડા ભાજપ અગ્રણીનો નબીરો બે મિત્રો સાથે કારમાં દારૂની મહેફિલ માણતો ઝડપાયો
Vadodara Crime: વડોદરામાં ગુરૂવારે (3 એપ્રિલ) રાતે દારૂ ઢીંચી મસ્તીમાં ફુલ સ્પીડે કાર ચલાવી રહેલા યુવક અને તેના બે મિત્રો પોલીસના હાથે ઝડપાઈ જતા ફરી એકવાર હિટ એન્ડ રન જેવી ગંભીર ઘટના સર્જાતા રહી ગઈ હતી. રેસકોર્સ ચકલી સર્કલથી નટુભાઈ સર્કલ જવાના રસ્તે મોડીરાતે અકોટા પોલીસ પેટ્રોલિંગમાં હતી. આ દરમિયાન મિર્ચ મસાલા ગલીની સામેના ભાગેથી ઈનોવા કાર ફુલ સ્પીડે અને વાંકી ચૂકી આવી રહી હોવાથી પોલીસે તેને અટકાવી હતી.
કારમાં દારૂની મહેફિલ માણતા હતા નબીરાઓ
પોલીસે કારચાલકને તપાસતાં તે દારૂ પીધેલો જણાઈ આવ્યો હતો. આ ઉપરાંત અંદર બેઠેલા તેના ત્રણ મિત્રોમાંથી બે મિત્રો પણ કારમાં મહેફિલ માણતા જણાઇ આવ્યા હતા. ડ્રાઇવર સીટ પાસેથી એક આઇસ બોક્સ મળી આવ્યું હતું. જેમાં વિદેશી દારૂની અડધી બોટલ તેમજ બીયરનું ટીન હતું.
આ પણ વાંચોઃ કોર્ટમાં લાઈવ સુનાવણી વચ્ચે અરજદાર સિગારેટના કસ મારતો જોડાયો, 50 હજારનો દંડ ફટકારાયો
પોલીસે કરમસદના ભાજપના આગેવાન દિલીપ પટેલના પુત્ર હિરેન પટેલ તેમજ જીગર અને સ્મિત પટેલની દારૂના કેસમાં ધરપકડ કરી હતી. જ્યારે, કેવલ પટેલ પીધેલો નહીં હોવાનું જણાઇ આવ્યું હતું. નબીરાઓ જમવા માટે વડોદરા આવ્યા હોવાનું રટણ રટ્યું હતું. હિરેનના મિત્રો રેત-કપચી,ફર્નિચર અને છૂટક વેપાર જેવા કામો કરે છે.
કારચાલકના પિતા દિલીપ પટેલ પૂર્વ નગરસેવક
દારૂના નશામાં કાર હાંકતા પકડાયેલો હિરેન પટેલ ભાજપના આણંદ ખાતેના સહકારી આગેવાનનો પુત્ર હોવાની અને પિતા સાથે કન્સ્ટ્રક્શનના કામમાં મદદ કરતો હોવાની માહિતી મળી છે. મળતી માહિતી મુજબ, હિરેનના પિતા દિલીપ પટેલ પૂર્વ નગર સેવક છે અને હાલમાં પીપળાવની ધી આશાપુરી ક્રેડિટ સોસાયટીના ચેરમેન છે. આ ઉપરાંત તેમના નામનું એક કાર્ડ પણ ફરતું થયું છે. જેમાં તેઓ ધી ખેડા સેન્ટ્રલ બેન્કના ડિરેક્ટર અને આણંદ જિલ્લા સહકાર ભારતીના સંગઠનના મંત્રી હોવાનો ઉલ્લેખ છે. કાર પણ દિલીપ પટેલની હતી. જો કે, ગુજરાત સ્ટેટ બેન્કના ડિરેક્ટરની યાદીમાં તેમનું નામ જણાયું નથી.