ખંભાત પાલિકાએ પાણી પુરવઠાનું 12 કરોડનું વીજ બિલ ભર્યું નથી
- છેલ્લા 15 વર્ષથી વીજ બિલ ભરવાનું બાકી
- બિલ ભરવા માટે સરકારમાં લોન માટે દરખાસ્ત કરાઈ : કનેવાલ તળાવથી ખંભાતમાં મીઠું પાણી પહોંચાડવા 3 મોટરો કાર્યરત
ખંભાત અરબી સમુદ્રના કિનારે વસેલું હોવાથી નગરમાં મીઠા પાણીની સમસ્યાઓ સર્જાય છે. વર્ષ ૨૦૦૭માં કનેવાલ તળાવથી મીઠા પાણીની પાઈપલાઈન નાખવામાં આવી હતી. આ પાઈપલાઈન મારફતે તળાવથી ખંભાત સુધી પાણી પહોંચાડવા માટે અંદાજે ૨૦૦ એચપીથી વધુ કાર્યક્ષમતા ધરાવતી ૩ મોટરો બેસાડવામાં આવી છે. જે રોજના ૮થી ૧૦ કલાક ચાલતી હોય છે. આ પાણી ખંભાતના નારેશ્વર તળાવ નજીક સ્ટોરમાં જમા થાય છે. ત્યાંથી ફિલ્ટર થયા બાદ મોટર દ્વારા શહેરના ૩ જૂદા જૂદા વોટર વર્ક્સ વિભાગમાં પહોંચાડવામાં આવે છે. જ્યાંથી આખા નગરમાં પાણી પુરૂં પાડવામાં આવે છે.
ખંભાત નગરપાલિકામાં આયોજનના અભાવના કારણે આર્થિક સ્થિતિ કફોડી બની હોવાના આક્ષેપ લાગ્યા છે. પાલિકાના વિપક્ષના નેતા નીતિનભાઈ બ્રહ્મભટ્ટે જણાવ્યું હતું કે, પાલિકામાં હાલ પાણી પુરવઠા વિભાગમાં અંદાજે ૧૨ કરોડથી વધુ રકમનું બિલ બાકી પડી રહ્યું છે. તેમ છતાં પાલિકા દ્વારા બિલ ભરવામાં ન આવતા નગરજનોને ભવિષ્યમાં મીઠાના પાણીની તંગી સર્જાઈ શકે તેમ છે.
પાલિકાના ચીફ ઓફિસર કૃણાલ પટેલે જણાવ્યું હતું કે, હું ખંભાતમાં ચાર્જમાં છું, લાઈટ બિલ અંદાજે ૧૨ કરોડથી વધુ બાકી છે. ખંભાત પાલિકાએ રાજ્ય સરકારમાં લાઈટ બિલની લોન માટે દરખાસ્ત પણ કરી છે. સરકાર તરફથી લોન મળતા ભવિષ્યમાં પાલિકાનું બાકી પડતું વીજ બિલ ભરી દેવામાં આવશે.
ખંભાતમાં અંદાજે 14 હજાર મકાનમાં પાણીના કનેક્શન
કનેવાલ તળાવમાંથી ખંભાત સુધી પાણી લાવવાનો કનેક્શન દીઠ વાર્ષિક અંદાજે રૂ.૨,૩૦૦નો ખર્ચ થાય છે, જ્યારે પાલિકા નગરજનો પાસેથી નિયમ મુજબ વાર્ષિક રૂ.૬૦૦ ટેક્સ પેટે ઉઘરાવે છે. ખંભાતમાં અંદાજે ૨૮ હજાર મકાનો આવેલા છે પરંતુ અડધા મકાનો ખાલી હાલતમાં હોવાથી હાલ અંદાજે ૧૪ હજાર પાણીના કનેક્શન હોવાનું પાલિકાના ચોપડે નોંધાયું છે.