Get The App

ખંભાત પાલિકાની સામાન્ય સભામાં હોબાળો, કોંગ્રેસે એજન્ડાના કાગળો અને ઠરાવોની નકલો ફાડી

Updated: Nov 27th, 2024


Google NewsGoogle News
ખંભાત પાલિકાની સામાન્ય સભામાં હોબાળો, કોંગ્રેસે એજન્ડાના કાગળો અને ઠરાવોની નકલો ફાડી 1 - image

Khambhat Municipality : ભાજપ શાસિત ખંભાત નગરપાલિકાના ઉપપ્રમુખ સહિત ભાજપના છ અને અપક્ષના બે કાઉન્સિલરોએ સોમવારે રાજીનામાં આપી દીધા હતા. સભ્યોને મનાવવાના પ્રયત્નો વચ્ચે મંગળવારે પાલિકાની સામાન્ય સભા મળી હતી. જેમાં પાલિકા પ્રમુખે બહુમતીના જોરે ચાર એજન્ડાને બહાલી આપી હતી. જેને લઈ વિપક્ષે ઉગ્ર વિરોધ કર્યો હતો. કોંગ્રેસના કાઉન્સિલરો પ્રમુખની ખુરશી સુધી ધસી આવ્યા હતા અને પ્રમુખ વિરૂદ્ધ સૂત્રોચ્ચાર કરીને એજન્ડાના કાગળ અને ઠરાવોની નકલો ફાડી નાખીને હંગામો કર્યો હતો. જેના પગલે  સ્થાનિક પોલીસની મદદ લેવામાં આવી હતી.

ભાજપ શાસિત ખંભાત નગરપાલિકાની સામાન્ય સભા યોજાય તેની પૂર્વ સંધ્યાએ કોંગ્રેસમાંથી પક્ષપલટું કરીને આવેલા પ્રમુખ દિગ્વિજયસિંહ પરમાર સામે પાલિકાના ઉપપ્રમુખ સહિત ભાજપના છ અને અપક્ષના બે કાઉન્સિલરોએ રાજીનામાં આપી દીધાં હતાં. જેને લઈ રાજકારણ ગરમાયું હતું અને ભાજપના સ્થાનિક મોવડી મંડળ દ્વારા નારાજ સભ્યોને મનાવવા માટે કામગીરી હાથ ધરી હતી. જોકે, ભાજપ રાજીનામું આપનારા સભ્યોને મનાવવામાં નિષ્ફળ નિવડયું હતું. 

દરમિયાન મંગળવારે સવારે પાલિકાની સામાન્ય સભા યોજાઈ હતી. આઠ કાઉન્સિલરોના રાજીનામાં બાદ ભાજપની સભ્યસંખ્યા 14 અને અપક્ષની સભ્યસંખ્યા બે રહી હતી. જેમાંથી સામાન્ય સભામાં કાઉન્સિલર પ્રફુલભાઈ ચુનારા ગેરહાજર રહ્યા હતા. જ્યારે કોંગ્રેસના ૧૨ સભ્યો ઉપસ્થિત રહ્યાં હતાં. 

ભાજપે પોતાના 15 સભ્યોની બહુમતીથી ચાર એજન્ડાને બહાલી આપી હતી. જેમાં સેનેટરી કમિટીના 17 કામો, પીડબલ્યુડી કમિટીના 24 કામો, વોટરવર્ક્સના 4 કામો સહિત વિકાસના કામો એજન્ડામાં મુકાયા હતા. સભા દરમિયાન પ્રમુખે તમામ કામો મંજૂર હોવાનું જણાવતા વિપક્ષ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. 

તેમજ કોંગ્રેસના કાઉન્સિલરો પ્રમુખની ખુરશી સુધી ધસી આવ્યા હતા અને પ્રમુખ વિરૃદ્ધ સૂત્રોચ્ચાર કરીને એજન્ડાના કાગળ અને ઠરાવોની નકલો ફાડીને હંગામો મચાવ્યો હતો. સભાખંડમાં ગરમાગરમી થતાં સ્થાનિક પોલીસની મદદ લેવામાં આવી હતી. જોકે, ખંભાતમાં ભાજપના કાઉન્સિલરોની નારાજગી સપાટી પર આવી ગઈ હોવા છતાં આણંદ જિલ્લા સંગઠનના પ્રમુખ, મહામંત્રી કે સ્થાનિક ધારાસભ્ય દ્વારા ડેમેજ કંટ્રોલની કોઈ કામગીરી કરવામાં આવી ન હોવાથી ભાજપને આ સભ્યોને પાછા લેવામાં રસ ના હોવાનું ચર્ચાઈ રહ્યું છે. 

ડેમેજ કંટ્રોલની કામગીરીમાં સફળતા ન મળી : શહેર ભાજપ સંગઠન પ્રમુખ

ખંભાત શહેર ભાજપ સંગઠન પ્રમુખ પિનાકીન બ્રહ્મભટ્ટે જણાવ્યું હતું કે, રાજીનામું આપનારા સભ્યોનો સંપર્ક કરાયો હતો પરંતુ હાલ ત્રણ સભ્યો જગન્નાથપુરી ગયા હોવાથી તેમજ અન્ય સભ્યોના સંપર્ક થઈ શક્યા ન હોવાથી ડેમેજ કંટ્રોલની કામગીરી કરવામાં સફળતા મળી નથી. આવનારા દિવસોમાં સભ્યોને મનાવી લેવાશે. 

અગાઉ પ્રમુખ, ઉપપ્રમુખની ચૂંટણી સમયે વિરોધ થયો હતો

અગાઉ ખંભાત પાલિકાના પ્રમુખ, ઉપપ્રમુખની ચૂંટણીમાં પણ પ્રદેશથી આવેલા મેન્ડેટની અવગણના કરવામાં આવી હતી અને નામો બદલવાનું આ સભ્યોએ દબાણ પણ કર્યું હતું. જેથી પ્રદેશ સમિતિએ પણ સભ્યોને મનાવવા માટે પ્રમુખ,ઉપપ્રમુખના નામે બદલ્યા હતા. 

પાલિકા પ્રમુખ સામે અવિશ્વાસની દરખાસ્ત મૂકાય તેવી ચર્ચા

હાલ પાલિકામાં ભાજપ પાસે પક્ષના 14 અને અપક્ષ 1 મળી કુલ 15 સભ્યોનું સમર્થન છે. જ્યારે કોંગ્રેસ પાસે 12 સભ્યોનું સમર્થન છે. જેથી ભવિષ્યમાં ભાજપના બળવાખોર સભ્યો, અપક્ષો અને કોંગ્રેસ એક સાથે મળી શકે તેવું ચર્ચાઈ રહ્યું છે. તેમજ આ રાજકીય સમીકરણ બને તો આગામી દિવસોમાં કોંગ્રેસ દ્વારા ભાજપના પ્રમુખ સામે અવિશ્વાસની દરખાસ્ત મૂકવામાં આવે તેવી સંભાવના હોવાની ચર્ચાઓએ જોર પકડયું છે. 


Google NewsGoogle News