વડોદરામાં મેયર પદે કેયુર રોકડિયા, ડેપ્યુટી મેયર તરીકે નંદાબેન જોશીનું નામ ઘોષિત કરાયું
- સ્ટેન્ડિંગ કમિટીના અધ્યક્ષ તરીકે ડૉ. હિતેન્દ્ર પટેલ મુકાયા
- ત્રણેય હોદ્દા પરની ચૂંટણી પૂર્વે શહેર ભાજપે નામો ઘોષિત કર્યા
વડોદરા, તા. 10 માર્ચ 2021 બુધવાર
વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના મેયર તરીકે કેયુર રોકડિયા અને ડેપ્યુટી મેયર તરીકે નંદાબેન જોશી તેમજ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે ડૉ. હિતેન્દ્ર પટેલ ની ભાજપ મોવડી મંડળે પસંદગી કરી છે. આજે સવારે 11:00 વાગ્યે કોર્પોરેશનના નવા બોર્ડની પ્રથમ જનરલ બોર્ડની મીટિંગમાં મેયર અને ડેપ્યુટી મેયરની ચૂંટણી યોજાઇ તે અગાઉ શહેર ભાજપ કાર્યાલય ખાતે તેઓના નામોની ઘોષણા કરવામાં આવી હતી.
પ્રદેશ ભાજપમાંથી આ નામના મેન્ડેટ આવ્યા હોવાથી શહેર ભાજપ દ્વારા તેમના નામો જાહેર કરવામાં આવ્યા હતા. આ નામો જાહેર થયા બાદ તમામ સભ્યો ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ કરવા ગાંધીનગર ગૃહ ઉપડી ગયા હતા.
કોર્પોરેશનના ઇતિહાસમાં પહેલીવાર ગાંધીનગર ગૃહ ખાતે જનરલ બોર્ડની પ્રથમ મીટીંગ મેયર અને ડેપ્યુટી મેયરની ચૂંટણી માટે મળી રહી છે. કોર્પોરેશનની તાજેતરમાં ચૂંટણી યોજાઈ હતી. જેમાં કોર્પોરેશનની કુલ 76 બેઠકમાંથી ભાજપે 69 બેઠક જીતી હતી જ્યારે કોંગ્રેસને માત્ર 7 બેઠક પ્રાપ્ત થઈ હતી.
ચૂંટણીના પરિણામ જાહેર થયા પછી છેલ્લા કેટલાક દિવસોથી મેયર સહિતના હોદ્દા પર કોણ બેસશે તે મુદ્દે જુદા જુદા નામોની અટકળો ચાલી રહી હતી. આજે કોર્પોરેશનમાં ભાજપ પક્ષના નેતા તરીકે અલ્પેશ લીમ્બાચીયા તથા દંડક તરીકે ચિરાગ બારોટનું નામ પણ જાહેર કરવામાં આવ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે ડો હિતેન્દ્ર પટેલ વીતેલા બોર્ડની અગાઉના બોર્ડમાં સ્ટેન્ડિંગ કમિટીના અધ્યક્ષ હતા.