'બે વાગ્યા સુધીમાં ચૈતર વસાવાને બોલાવો નહીંતર...' ટાવર પર ચઢીને ખેડૂતે આપી આત્મહત્યાની ચીમકી
Protest Against Chaitar Vasava: નર્મદા જિલ્લાના ગરુડેશ્વર જિલ્લામાં એક વિચિત્ર ઘટના બની છે. કેવડિયા ગામનો એક ખેડૂત ન્યાયની માંગણી સાથે મોબાઇલ ટાવર પર ચઢી જતાં અફરાતરફરીનો માહોલ સર્જાયો છે. ગણપત તડવી નામનો ખેડૂત ચૈતર વસાવા પાસે ન્યાયની માંગ કરી રહ્યો છે. ખેડૂતને ટાવર પર ચઢેલો જોઈને આસપાસના લોકો એકઠા થઈ ગયા હતાં અને ફાયરબ્રિગેડ તેમજ પોલીસને સંપર્ક કર્યો હતો. ફાયર અને પોલીસની ટીમ હાજર થઈને રહીશને નીચે ઉતારવાનો પ્રયત્ન કરી રહી છે. પરંતુ, યુવક ન્યાય ન મળે ત્યાં સુધી નીચે ન ઉતરવાની વાત પર અડીખમ છે.
ખેડૂત ટાવર પરથી એક જ વાતનું રટણ કરી રહ્યો છે કે, જ્યાં સુધી ચૈતર વસાવા મને ન્યાય નહીં અપાવે ત્યાં સુધી હું નીચે નહીં ઉતરુ. જો બે વાગ્યા સુધીમાં ન્યાય ન મળ્યો તો હું ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી લઈશ. યુવકના જણાવ્યા અનુસાર, અધિકારીઓ ફક્ત ઉડાઉ જવાબો આપે છે, જો માંગણી નહીં સંતોષવામાં આવે તો હું ટાવર પરથી જ આત્મહત્યા કરી લઈશ.
આ પણ વાંચોઃ BSNL લેન્ડલાઈન ફોન ચાલુ જ રાખો, સિનિયર સિટીઝન્સે હાલાકી હોવા છતાં માગ સ્વીકારાતી નથી
શું છે યુવકની માંગણી?
ટાવર પર ચઢેલા સ્થાનિક ગણપતભાઈની માંગણી છે કે, અમારી વડીલોપાર્જિત જમીન જે લઈ લીધી છે તેનું યોગ્ય વળતર આપો, નહીંતર અમને અમારી જમીન પાછી આપી દો. હમણાં જે કેવડિયા સત્તામંડળ દ્વારા વિવિધ વિભાગોમાં ભરતી પ્રક્રિયા કરી તેમાં પણ સ્થાનિકોનો સમાવેશ કરાયો નથી અને બહારના લોકોની ભરતી કરવામાં આવી રહી છે. જો 2 વાગ્યા સુધીમાં મારી માંગણી નહીં સંતોષાય તો હું ટાવર પર જ ગળેફાંસો ખાઈ લઈશ. ચૈતર વસાવાને અહીં બોલાવો અને મને ન્યાય અપાવો, જો ચૈતર બે વાગ્યા સુધીમાં મને યોગ્ય જવાબ સાથે ન્યાય નહીં આપે તો હું ટાવર પર જ આત્મહત્યા કરી લઇશ.
શું છે સમગ્ર મામલો?
કેવડિયા કોલોનીના આગેવાન રણજિત તડવીએ જણાવ્યું કે, વડીલોપાર્જિત જમીન નિગમે લઈ લીધી છે અને હવે ત્યાં હોટલ અને મોલ બનાવવા માટે ઉદ્યોગપતિઓને ઊંચા ભાવે વેચવામાં આવી રહી છે. જેના માટે સ્થાનિકોને યોગ્ય વળતર પણ આપવામાં નથી આવ્યું. અમારૂ કોઈ સાંભળતું નથી અને છેલ્લાં પાંચ વર્ષથી અધિકારીઓ અમને ધક્કા ખવડાવે છે.
હાલ, પોલીસ અને ફાયર વિભાગની ટીમ ગણપત ભાઈને નીચે ઉતારવા મથામણ કરી રહ્યાં છે, પરંતુ તે ચૈતર વસાવાને બોલાવવાની વાત પર મક્કમ છે. ખેડૂત ગણપત ભાઇ ટાવર પરથી ટેલિફોન કરીને ન્યાય માંગણી કરી રહ્યા છે. જેના કારણે હવે ઉચ્ચ અધિકારીઓમાં પણ દોડધામ મચી છે.