કોળી-ઠાકોર સમાજમાં આક્રોશ: રાજૂબાપુએ રડતાં-રડતાં માફી માંગી, પોલીસ તપાસ શરૂ

Updated: May 21st, 2024


Google NewsGoogle News
કોળી-ઠાકોર સમાજમાં આક્રોશ: રાજૂબાપુએ રડતાં-રડતાં માફી માંગી, પોલીસ તપાસ શરૂ 1 - image


Kathakar Rajubapu Controversial Statement : ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકામાં આવેલા સિમર ગામે શિવ પુરાણ કથાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કથાકાર રાજુબાપુએ પ્રેમ લગ્નને લઈને કોળી સમાજ અને ઠાકોર સમાજ વિશે વિવાદિત નિવેદન આપતા બંને સમાજના લોકો ભારે રોષે ભરાયા હતા. ત્યારબાદ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ રાજુબાપુએ આ મામલે માફી માગી હતી. જોકે હવે 40 વર્ષિય મહેશ કોળીએ રાજુબાપુ વિરુદ્ધ નવાબંદર મરીન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે રાજુબાપુ વિરુદ્ધ 153(એ)(1) સહિતની કલમ હેઠળ ગુનો નોંધ્યો છે અને વાયરલ વીડિયો અંગે તપાસ શરૂ કરી દીધી છે.

રાજુબાપુને જામીન પર મુક્ત કરાયા

આ મામલે કોળી સમાજની લાગણી દુભાતા રાજુબાપુનો વિરોધ કરવામાં આવ્યો હતો અને તેમના વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ કરવામાં આવી છે. ફરિયાદ બાદ તેમની અટકાયત કરાઈ હતી અને બાદમાં જામીન પર મુક્ત કરવામાં આવ્યા હતા. બીજીતરફ જાહેરમાં માફી માંગવાની માંગ સાથે મારેલીમાં રાજુબાપુના નિવાસ સ્થાને કોળી અને ઠાકોર સમાજના લોકો ભેગા થયા હતા. દરમિયાન પોલીસની હાજરીમાં રાજુબાપુએ પોતાના નિવાસસ્થાન બહાર આવીને કોળી અને ઠાકોર સમાજના લોકોની રડીને અને હાથ જોડીને માફી માંગી છે અને પોતાની ભૂલ થઇ હોવાનું કહી માફ કરવા કહ્યું છે. 

શું હતી સમગ્ર ઘટના?

19 મેએ પોતાના પ્રવચન દરમિયાન રાજુબાપુએ પ્રેમ લગ્નને લઈને કોળી સમાજ અને ઠાકોર સમાજને નિમ્ન કક્ષાના કહ્યા હતા. તેમણે કહ્યું હતું કે, આવા સમાજમાં ઉચ્ચ જ્ઞાતિના લોકોએ લગ્ન ન કરવા જોઈએ. તેમના વાણિવિલાસનો એક વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાઈરલ થયો હતો, ત્યારબાદ બાદ તેમની ભારે ટીકા થઈ રહી છે. કોળી સમાજની લાગણી દુભાતા રાજુબાપુનો વિરોધ કરાયો હતો. આ ઉપરાંત તેમની વિરુદ્ધ પોલીસમાં પણ ફરિયાદ કરાઈ છે અને જાહેરમાં માફી માંગવાની માંગ કરાઈ છે.


Google NewsGoogle News