કાસમઆલા ગેંગનો સૂત્રધાર હુસેન સુન્ની સહિત ત્રણ ખંડણી કેસમાં જેલમાં જતાં હવે ગુજસીટોક હેઠળ ધરપકડ કરાશે
વડોદરાઃ હાથીખાના વિસ્તારમાં યુવકને રિવોલ્વર બતાવી રૃ.એક લાખની ખંડણી માંગવાના કેસમાં પકડાયેલા કાસમઆલા ગેંગના મુખ્ય સૂત્રધાર હુસેન સુન્ની સહિત ત્રણ આરોપીના રિમાન્ડ પુરા થતાં ક્રાઇમ બ્રાન્ચ તેમનો કબજો લેશે.
હાથીખાના નજીક ચમન ટેકરા ખાતે રહેતા જાકીર નામના યુવક પાસે રૃ.૧ લાખની ખંડણી માંગી કાસમઆલા ગેંગના સૂત્રધાર હુસેન કાદરમીયા સુન્ની(રહે.કાસમઆલા કબ્રસ્તાન પાસે,ભૂતડીઝાંપા પાછળ) અને તેના ભાઇ અકબર સુન્નીએ ધમકી આપી હતી.જ્યારે,મો.અલીમ ઉર્ફે હાલીમા પઠાણે રિવોલ્વર બતાવી ધમકી આપી હતી.
મો.અલીમે યુવક પાસેથી ક્રેડિટ કાર્ડ અને રૃ.૧૧ હજાર લઇ લીધા હતા તેમજ કાર્ડ પરથી રૃ.૮૫ હજાર અને ૮૦ હજારના બે ટ્રાન્ઝેક્શન પણ કર્યા હતા.ત્રણ મહિના પછી તેમણે યુવકને પૈસા બાબતે સમાધાન કરી લેવા માટે ધમકી આપતાં કારેલીબાગના પીઆઇ હરિત વ્યાસે ત્રણેય સામે ખંડણીનો ગુનો નોંધ્યો હતો.
ક્રાઇમ બ્રાન્ચે આ ગુનામાં ત્રણેય આરોપીની ધરપકડ કરી રિમાન્ડ પર લીધા હતા.તેમના રિમાન્ડ પુરા થતાં કોર્ટમાં રજૂ કર્યા હતા અને કોર્ટે જ્યુ.કસ્ટડીમાં મોકલી આપવાનો હુકમ કર્યો હતો.હુસેન સુન્નીની કાસમઆલા ગેંગના ૯ સાગરીતો સામે ક્રાઇમ બ્રાન્ચે ગુજસીટોક હેઠળ ગુનો નોંધતા પાંચની ધરપકડ કરાઇ હતી.જ્યારે ખંડણીના કેસમાં જેલ ગયેલા ત્રણ આરોપીની પણ ટ્રાન્સફર વોરંટથી ધરપકડ કરાશે.આ ઉપરાંત હત્યાના પ્રયાસના આરોપમાં જેલમાં રખાયેલા હુસેનના ભાઇ સિકંદરની પણ ટ્રાન્સફર વોરંટથી ધરપકડ માટે તજવીજ કરાશે.
હુસેન સુન્નીની ગેંગની ડાયરી અને રિવોલ્વરની તપાસ માટે બે ટીમ સૌરાષ્ટ્ર અને આગ્રા જશે
કાસમઆલા ગેંગની તપાસ અને પુરાવા એકત્રિત કરવા માટે ક્રાઇમ બ્રાન્ચની બે ટીમો સૌરાષ્ટ્ર અને આગ્રા રવાના થશે.
ખંડણી,ધમકી,લૂંટ જેવા ગુનાઓ આચરી ભનો માહોલ ઉભો કરનાર હુસેન સુન્નીની કાસમઆલા ગેંગ દ્વારા એક ડાયરી રાખવામાં આવતી હોવાની પોલીસને વિગતો મળી છે.જ્યારે,તેમની પાસે રિવોલ્વર પણ છે.
જેથી પોલીસની ટીમ ડાયરી કબજે કરવા માટે સૌરાષ્ટ્ર અને રિવોલ્વરની તપાસ કરવા માટે આગ્રા જનાર છે.