વડોદરામાં પતંગ દોરીથી ઘાયલ થતા પક્ષીઓને બચાવવા માટે તારીખ 10 થી કરુણા અભિયાન શરૂ થશે
Vadodara : ઉતરાયણ પર્વ નજીકમાં છે ત્યારે દર વર્ષની માફક આ વખતે પણ સરકાર દ્વારા પતંગ અને દોરથી ઘાયલ થતાં અબોલ પક્ષીઓની સારવાર કરવા માટે કરુણા અભિયાન ચલાવવામાં આવશે. તારીખ 10 થી આ અભિયાન શરૂ થશે જે તારીખ 20 સુધી એટલે કે 11 દિવસ ચાલશે. પશુપાલન શાખા જિલ્લા પંચાયત દ્વારા આના માટે નવ ટીમ બનાવવામાં આવી છે. જેમાં 20 ડોક્ટર કાર્યરત રહેશે. વડોદરા શહેરમાં પાંચ સ્થળે આ કામગીરી ચાલશે.
સવારે પક્ષીઓ તેમના માળામાંથી ઉડીને બહાર વિહાર કરવા નીકળે છે અને સાંજે ફરી પાછા પોતાના માળામાં આવે છે, આ સમય દરમિયાન પતંગ દોરથી ઘાયલ થઈ જવાનું પ્રમાણ પક્ષીઓમાં વધુ રહે છે. પશુચિકિત્સકોએ અબોલ પંખીઓની સુરક્ષા માટે સવારે અને સાંજે એક-એક કલાક સુધી પતંગ નહીં ચગાવવા અનુરોધ કર્યો છે. દર વર્ષે કબૂતરો, સમડી, ઘુવડ, પોપટ વગેરે પતંગ દોરથી ઘાયલ થતા હોય છે. જેમાં કબૂતરોની સંખ્યા ખૂબ વધુ હોય છે. કબૂતરો સામાન્યતઃ તરત જ ભડકી જાય છે. જેમાં તેની પાંખોને વધુ નુકસાન થાય છે. પતંગના દોર પક્ષીઓની પાંખો અને પગમાં ભરાઈ જવાથી તે ઉડી શકતા નથી, અને ધારદાર દોરના કારણે મરણ પણ પામે છે. ઉતરાયણ બાદ ઘાયલ થયેલા પંખીઓ અઠવાડિયા દસ દિવસ સુધી લાવવામાં આવે છે. ઝાડ, ટાવર, મકાનો વગેરેમાં પતંગ દોર ફસાયેલા હોય છે, જેમાં ઉડતા પંખી ફસાઈ જાય છે ,અને ઘાયલ થાય છે. પક્ષીઓની સુરક્ષા માટે આ કામગીરીમાં વન વિભાગની સાથે-સાથે સ્વૈચ્છિક સંગઠનો પણ મદદરૂપ બને છે. પક્ષી ઘાયલ થયેલું દેખાય તો તરત જ રૂ થી લોહી બંધ કરી તાત્કાલિક પક્ષી રેસ્ક્યુ સેન્ટર લઈ જવું જોઈએ. હજુ ગઈકાલે જ એક કબૂતર પતંગની દોરીથી ઘાયલ થતા તેની પાંખ કપાઈ ગઈ હતી. પશુ ચિકિત્સકોએ ટાંકા લઈને ઘા ઢાંકીને વન વિભાગને સુપ્રત કર્યું હતું. કરુણા અભિયાન રાજ્યમાં છેલ્લા 10 વર્ષથી ચાલે છે.