'રૂપાલાની માફી અમને મંજૂર નથી...' વિવાદ વચ્ચે કરણી સેના પ્રમુખ શેખાવતના ભાજપને 'રામ-રામ'
Lok sabha Elections 2024: લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે ગુજરાતના રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે. એક તરફ રાજકીય પક્ષોમાં ટિકિટને લઈને અસંતોષ જોવા મળી રહ્યો છે તો બીજી તરફ કેન્દ્રીય મંત્રી અને રાજકોટ લોકસભા બેઠક પરના ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાના નિવેદનના કારણે ક્ષત્રિય સમાજમાં રોષ યથાવત છે. ત્યારે હવે મોટા સમાચાર સામે આવી રહ્યા છે કે કરણી સેનાના પ્રમુખ રાજ શેખાવતે ભાજપના પ્રાથમિક સભ્ય પદેથી રાજીનામું આપી દીધું છે. ઉલ્લેખનીય છે કે તેમણે રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ કરી હતી. આ ઉપરાંત રાજ શેખાવતે ગોંડલના સંમેલનને ભાજપ પ્રેરિત ગણાવ્યું હતું.
રૂપાલાએ ગોંડલના સંમેલનમાં માફી માગી હતી
કેન્દ્રીય મંત્રી અને ભાજપના રાજકોટ લોકસભાના ઉમેદવાર પરશોતમ રૂપાલાની મુશ્કેલી ઓછી થઈ રહી નથી. તેમણે શુક્રવારે ગોંડલના શેમળા ગામે ક્ષત્રિય સમાજના સંમેલનમાં કે જ્યાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો, પૂર્વ અને વર્તમાન ધારાસભ્યો અને વિવિધ હોદ્દેદારો તેમજ સંગઠનોના આગોવાનો હાજર હતા ત્યાં જાહેર મંચ પરથી હાથ જોડી માફી માગીને ક્ષત્રિય સમાજની નારાજગી દૂર કરવાનો પ્રયાસ કર્યો હતો. આ સંમેલન પુરુ થઈ ગયા બાદ ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાએ સર્વસંમતિથી સમાધાન થઈ ગયું હોવાનું જણાવ્યું હતું. આ ઉપરાંત તેઓ સીધા જ ક્ષત્રિયોના આસ્થાના કેન્દ્ર એવા ગધેથડ ગાયત્રી આશ્રમ જઈ લાલબાપુને મળીને આશિર્વાદ મેળવ્યા હતા. જો કે તેમ છતાં પણ ક્ષત્રિય સમાજમાં રૂપાલાના નિવેદનને લઈને રોષ યથાવત છે.
રૂપાલાએ માફી માગી છતાં ક્ષત્રિયોનો વિરોધ યથાવત્
ભાજપના રાજકોટ બેઠકના ઉમેદવાર અને કેન્દ્રીય મંત્રી પરશોતમ રૂપાલાના અનુચિત ઉચ્ચારણોથી સમગ્ર ક્ષત્રિય સમાજમાં ફાટી નીકળેલા આક્રોશના પગલે ગોંડલના ગણેશગઢ ગામે પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાની આગેવાનીમાં મુખ્યત્વે ભાજપના હોદ્દેદારો હોય તેવા ક્ષત્રિય આગેવાનોએ રૂપાલાને માફ કરવાની વાત સાથે પ્રકરણ પૂરું થયાનું જાહેર કર્યું હતું તો બીજી તરફ કેટલાક ક્ષત્રિય આગેવાનોએ આ સમાધાનને નકારી કાઢ્યું હતું અને રોષ યથાવત્ જારી રાખ્યો છે.
રૂપાલાની ટિકિટ રદ કરે તેવી ક્ષત્રિય સમાજની માગ
અગાઉ ગુરુવારે રાજ્યના 90 જેટલા ક્ષત્રિય સંગઠનોના હોદ્દેદારો, પ્રતિનિધિઓની બોટાદ ચોકડી પાસે રાજપૂત સમાજ ભવન ખાતે બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં રૂપાલા સામે તીવ્ર રોષ વ્યક્ત કરીને તેમની લોકસભામાં ઉમેદવારી રદ કરાય તેવી માંગ કરાઈ હતી. આ અંગે ક્ષત્રિય આગેવાન પી.ટી.જાડેજાનો સંપર્ક સાધતા જણાવ્યું કે, 'રાજકીય નેતાઓ સમાધાનના પ્રયાસો થઈ રહ્યાની વાતો કરે છે પરંતુ, અમે આવા કોઈ પ્રયાસો કર્યા નથી. પરશોત્તમ રૂપાલા પોતે એક શિક્ષિત વ્યક્તિ છે, તેમણે ભાષણમાં જે કહ્યું તે જાણીબુઝીને કહ્યું છે અને તેને માત્ર એક વિડીયોમાં માફી માંગી લે એટલે માફ કરી દેવા ક્ષત્રિય સમાજ તૈયાર નથી. ભાજપ તેની ઉમેદવારી રદ કરે તેવી અમારી માગ છે.'
શું હતો સમગ્ર વિવાદ ?
સૌરાષ્ટ્રના મુખ્ય શહેર રાજકોટથી ભાજપે પોતાના લોકપ્રિય નેતા પરશોત્તમ રૂપાલાને ઉતાર્યા છે. રૂપાલાની ઉમેદવારી પર અહીં ક્ષત્રિય સમાજ ખુલીને વિરોધ કરી રહ્યો છે. તેની પાછળ રૂપાલાનું એક નિવેદન જવાબદાર છે. રૂપાલાએ કહ્યું હતું કે, 'અંગ્રેજોએ દમન કરવામાં કઈ બાકી નહોતું રાખ્યું અને મહારાજાઓ નમ્યા, રાજા-મહારાજાઓએ રોટી-બેટીના વ્યવહારો કર્યા હતા, પણ મારા રૂખી સમાજે ન તો ધરમ બદલ્યો, ન તો વ્યવહારો કર્યા, સૌથી વધુ દમન તેમના પર થયા હતા. આજે હજાર વર્ષે રામ એમના ભરોસે આવ્યો છે. એ સમયે તેઓની તલવાર આગળ પર નહોતા ઝૂક્યા.' રૂપાલાના આ નિવેદન બાદ ક્ષત્રિય સમાજ રોષે ભરાયો હતો અને ભાજપ પાસે રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગ કરી હતી.