જળ સંચય માટે 'કર્મભૂમિ થી જન્મભુમી' અભિયાનનો પ્રાંરભ : સુરતમાં રહેતા અન્ય રાજ્યના અગ્રણીઓ પોતાના વિસ્તારમાં વોટર હાર્વેસ્ટીંગની કામગીરી કરશે
Surat : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 2021માં 'કેચ ધ રેઈન'પ્રોજેકટની શરૂઆત કરી હતી. હવે સમગ્ર દેશમાં આ અભિયાન શરૂ કરવા માટે આયોજન થઈ રહ્યું છે. ગુજરાત સહિત અન્ય રાજ્યોમાં જળસંચય અભિયાન આગળ વધારવા માટે જળ સંચય માટે કર્મભૂમિથી જન્મભુમી અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. જેમાં સુરતમાં રહેતા અન્ય રાજ્યના અગ્રણીઓ પોતાના વિસ્તારમાં વોટર હાર્વેસ્ટીંગની કામગીરી કરશે. આ ઉપરાંત રવિવારે ગુજરાત, મધ્યપ્રદેશ, રાજસ્થાનના મુખ્યમંત્રીઓ, બિહારના નાયબ મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં જળસંચય-જન ભાગીદારી જન આંદોલન અભિયાન કાર્યક્રમ યોજાશે.
આગામી રવિવારે સુરતમાં જળ સંચય જન ભાગીદારી અભિયાન સમગ્ર દેશ માટે રોલ મોડલ બને તે માટે એક ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ગુજરાત, મધ્યપ્રદેશ, રાજસ્થાન મુખ્યમંત્રી, બિહારના નાયબ મુખ્યમંત્રી હાજર રહેશે, આ કાર્યક્રમની માહિતી આપવા માટે પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. પત્રકાર પરિષદમાં કેન્દ્રીય જળ શકિત મંત્રી સી.આર.પાટીલે માહિતી આપતાં જણાવ્યું હતું કે, કેચ ધ રેઈન પ્રોજેકટની શરૂઆત વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતમાંથી શરૂ કરી હતી. હાલમાં રાજ્યભરમાં 80,000થી વધુ રેઈન વોટર હાઈવેસ્ટીંગના કાર્યો માટેનું કમીટમેન્ટ મળી ચુકયું છે. રાજયની ઇન્ડસ્ટ્રીઝ, એન.જી.ઓ., સરકાર સાથે મળીને આગામી સમયમાં બે લાખથી વધુ રેઈન વોટર હાર્વેસ્ટિંગ લક્ષ્યાંક સુધી લઈ જવામાં આવશે.
તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, રાજસ્થાન રાજ્યના સુરતમાં વસતા વેપારીઓ, ઉદ્યોગપતિઓએ રાજસ્થાનના તમામ ગામોમાં ગામદીઠ ચાર બોર કરીને વરસાદી પાણીને ભૂગર્ભમાં ઉતારવા માટેની જવાબદારી લીધી છે. જયારે મધ્યપ્રદેશના વેપારીઓએ મધ્યપ્રદેશમાં 3500 ગામોમાં રેઈન વોટર હાર્વેસ્ટિંગ કામ કરશે. જ્યારે બિહારના પાંચ જિલ્લાના ગામોમાં વોટર રીચાર્જીંગ માટેના કાર્યો બિહારના વતની અને સુરતમાં વસતા વેપારીઓ-ઉદ્યોગપતિઓ દ્વારા કરવામાં આવશે.
વરસાદી પાણીને જમીનમાં ઉતારી જ્યારે પણ જરૂર પડે ત્યારે પરત મળી રહે તે માટે યોજનાને આગળ વધારી રહ્યા છીએ. ગુજરાતમાં એપાર્ટમેન્ટ, સોસાયટીઓમાં લોકો વરસાદી પાણીને ભૂગર્ભમાં ઉતારવા માટે બોર કરીને સારો પ્રતિસાદ મળી રહ્યો છે. સુરતના પોલીસ સ્ટેશનો, હેડકવાર્ટર, સરકારી કચેરીઓમાં પણ છતનું પાણી ભુગર્ભમાં સંગ્રહ થાય તે માટેના રેઈન વોટર હાઈવેસ્ટીંગના કાર્યો થઈ રહ્યા છે.