કરજણ પાલિકા, તા.પં. અને નગરપાલિકા પેટા ચૂંટણી: ભાજપના ઉમેદવારો જાહેર થતા પ્રચાર શરૂ
Image: Facebook
ગુજરાતમાં આગામી ફેબ્રુઆરીમાં યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો ધમધમાટ શરૂ થઈ ગયો છે. ભાજપે વડોદરા સહિત 20 થી વધુ જિલ્લામાં પાલિકા તાલુકા પંચાયત અને નગર પાલિકાની પેટા ચૂંટણીઓના ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી છે.
જેમાં કરજણ નગર પાલિકાની ચૂંટણીના કુલ સાત વોર્ડ પૈકી વોર્ડ નં.એકમાં કુલ ચાર ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા છે. એવી જ રીતે વોર્ડ નં. બે થી સાતમાં પ્રત્યેક વોર્ડના ચાર ચાર ઉમેદવાર ના નામ જાહેર કરી દેવાયા છે. કરજણ નગરપાલિકાની સામાન્ય ચૂંટણી માટે તમામ સાત વોર્ડ માટે પ્રદેશ અધ્યક્ષ દ્વારા કુલ ૨૮ ઉમેદવારોના નામ જાહેર કરાયા છે. આવી જ રીતે વડોદરા તાલુકા પંચાયત ની પેટા ચૂંટણીઓમાં પાદરાની વડુ, શિનોર તાલુકાની સાધલી-૨, જ્યારે વડોદરા તાલુકાની કોયલી-૧, દશરથ-૧ અને નંદેસરી બેઠક ના નામ પણ જાહેર કરાયા છે. આ ઉપરાંત નગર પાલિકાની પેટા ચૂંટણીઓ પૈકી સાવલીમાં વોર્ડ નં. બે અને પાદરાના વોર્ડ નં. ૩ ના ઉમેદવાર જાહેર કરવામાં આવતા ચૂંટણીનો ધમધમાટ આગામી દિવસોમાં શરૂ થશે.
અત્રે ઉલ્લેખનીય છે કે ગુજરાત રાજ્યમાં સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં ઓબીસી પ્રતિનિધિઓ માટેની બેઠકમાં સૌ પ્રથમવાર ૨૭ ટકા ઓબીસી પ્રતિનિધિઓ સૌ પ્રથમવાર મહત્વ આપવામાં આવ્યું છે. એવી જ રીતે ૮૦ મુસ્લિમ ઉમેદવારોને પણ તક આપવામાં આવી છે. આમ ભારતીય જનતા પાર્ટીએ ઓબીસી કાર્ડ ખેલ્યું છે જેમાં યુવાનોને તક અપાય છે. જેમાં ઉમેદવારોની સરેરાશ હોય ૪૦ વર્ષ જેટલી છે. જે પૈકી ૫૦ ટકા અનામતના ધોરણને કારણે મહિલાઓને પણ પૂરતી તક મળી છે.