રાજકોટમાં કરાટેના નામે કૌભાંડ, 600થી વધુ સ્કૂલમાં ટ્રેનિંગના નામે ગઠિયાઓની છેતરપિંડી
AI Image |
Rajkot News : ગુજરાતમાં રાણી લક્ષ્મીબાઈ આત્મરક્ષા-પ્રશિક્ષણ યોજનામાં કૌભાંડ થયું હોવાનું સામે આવ્યું છે. રાજકોટમાં કરાટેની ટ્રેનિંગ આપવાના નામે 600થી વધુ સરકારી શાળામાં કૌભાંડ થયું હોવાની ફરિયાદો ઊભી થઈ છે, જેમાં લાયકાત વગરના કોચ દ્વારા યુવતીઓને ટ્રેનિંગ અપાતી હતી અને કોચને આપવામાં આવતાં પગારમાં કૌભાંડ કરવામાં આવતું હતું.
600થી વધુ શાળાઓમાં કરાટેના નામે કૌભાંડ
ગુજરાતની તમામ સરકારી ઉચ્ચ પ્રાથમિક શાળાઓ અને માધ્યમિક શાળાઓ ખાતે રાણી લક્ષ્મીબાઈ આત્મરક્ષા-પ્રશિક્ષણ યોજના હેઠળ કન્યાઓને કરાટે, જુડો, બેઝિક ડિફેન્સ માટે પંચિંગ, બ્લોકિંગ અને રેસલિંગ જેવી પાયાની આત્મરક્ષાની તાલીમ આપવામાં આવે છે, ત્યારે રાજકોટની 600થી વધુ શાળાઓમાં લાયકાત વિનાના કોચ દ્વારા શાળામાં માત્ર એકથી પાંચ દિવસની તાલીમ અપાતી હોવાનું સામે આવ્યું છે. આમ દીકરીઓને કરાટેની તાલીમ આપવાના નામે કૌભાંડ આચરાતું હતું.
આ પણ વાંચો: સુરતમાં ઘર આંગણે રમતી બાળકીને ઉપાડી લઇ જઇ પીંખી નાખી, લોહીથી લથબથ બાળકી ઘરે પહોંચી
જાગૃત નાગરિકે જણાવ્યું કે, 'સરકારી શાળાઓમાં રાણી લક્ષ્મીબાઈ આત્મરક્ષા-પ્રશિક્ષણ યોજના હેઠળ દીકરીઓને કરાટે સહિતની ટ્રેનિંગ આપવા માટે કોચને 15000 રૂપિયા ચૂકવવામાં આવે છે. પરંતુ એક-એક દિવસની ટ્રેનિંગ અને સર્ટિફિકેટ લઈને કોચ બનેલા શખ્સોને શહેરની શાળાઓમાં કોચ તરીકે રાખીને કૌભાંડ આચરવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત, કરાટેની કોઈ જ પ્રકારની જાણકારી ન ધરાવતાં લોકોને એક શાળાદીઠ 5000-5000 રૂપિયા આપીને બાકીની રકમ સંસ્થાના મિલીભગતો દ્વારા પડાવી લેવાય છે. જેમાં છોકરીઓને માંડ પાંચ દિવસ તાલીમ અપાય છે. કોઈ કોઈ સ્કૂલમાં તાલીમ અપાતી નથી.'
આ પણ વાંચો: AMCના 9 ફાયર અધિકારીને ટર્મિનેટ કરવાનો કેસ, હાઈકોર્ટે તમામને કાયમી કરવાનો કર્યો હુકમ
શું છે રાણી લક્ષ્મીબાઈ આત્મરક્ષા-પ્રશિક્ષણ યોજના?
રાજ્યની તમામ સરકારી ઉચ્ચ પ્રાથમિક શાળાઓ અને માધ્યમિક શાળાઓ કન્યાઓને કરાટે, જુડો, બેઝિક ડિફેન્સ માટે પંચિંગ, બ્લોકિંગ અને રેસલિંગ જેવી પાયાની આત્મરક્ષા પ્રશિક્ષણ આપવા માટે 'રાણી લક્ષ્મીબાઈ આત્મરક્ષા-પ્રશિક્ષણ' શરુ કરવામાં આવી છે. શૈક્ષણિક સત્ર દરમિયાન ત્રણ મહિનાની તાલીમ આપવામાં આવે છે. જેમાં જિલ્લા કક્ષાએ તાલીમના આયોજન માટે એક કમિટીની રચના કરીને રૂચિ ધરાવતી સંસ્થા દ્વારા તાલીમ આપવામાં આવે છે.