14 શાળા, 10 મંદિરો સહિત કરમસદ સજ્જડ બંધ
- આણંદ મહાનગરપાલિકામાં સરદાર પટેલના વતનનો સમાવેશ કરતા વિરોધ વકર્યો
- લારી અને ગલ્લાંવાળા, નાના-મોટા વેપારીઓ સહિતનાએ ધંધા-રોજગાર બંધ રાખ્યા ઃ મનપામાં ભેળવવાનો નિર્ણય નહીં બદલાય તો ઉગ્ર આંદોલનની ચિમકી
આણંદ : કરમસદ નગરપાલિકાને આણંદ મહાનગરપાલિકામાં ભેળવવાના વિરોધમાં રવિવારે કરમસદમાં ગામેરૂં ભરાયું હતું. જેમાં સોમવારે સ્વૈચ્છિક બંધ પાળીને વિરોધ કરવાનો સર્વાનુમતે નિર્ણય લેવામાં આવ્યો હતો. જેને પગલે સોમવારે સવારથી જ કરમસદવાસીઓ દ્વારા પોતાના ધંધા-રોજગાર બંધ રાખીને બંધને સમર્થન આપ્યું હતું. ૧૦થી વધુ મંદિરો, ૧૪થી વધુ શાળાઓ સહિતના દ્વારા બંધ પાડવામાં આવ્યું હતું. જ્યારે કાયદો- વ્યવસ્થા જળવાઈ રહે તે માટે ચૂસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.
સંતરામ મંદિર સહિતના ૧૦થી વધુ મંદિરોમાં પરોઢીયે ભગવાનની પૂજા કરીને મંદિરના કપાટ બંધ કરી દેવામાં આવ્યા હતા. સરદાર પટેલ યુનિવર્સિટી સંલગ્ન બીએસસી અને બીએડ કોલેજ પણ બંધ રહી હતી. તેમજ ૭ અર્ધ-સરકારી શાળા અને ૮ ખાનગી શાળાઓ સહિતની શૈક્ષણિક સંસ્થાઓએ પણ બંધ પાડયું હતું. તે સિવાય લારી-ગલ્લાં, હોટલ સહિતના ધંધા પણ બંધ રાખવામાં આવ્યા હતા.
જોકે, બંધના એલાનના પગલે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તથા કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે ચૂસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો હતો. કરમસદવાસીઓએ રોષ ઠાલવતા જણાવ્યું હતું કે, કરમસદને આણંદ મનપામાં સમાવીને લોખંડી પુરૂષ સરદાર વલ્લભભાઈ પટેલનું નામ ભૂંસી નાખવાનો કારસો રચવામાં આવ્યો છે. જેને પગલે આ વિરોધ કરાઈ રહ્યો છે. સરદારના નામે મત માગવા આવતા ભાજપના નેતાઓ સામે પણ રોષ ઠાલવ્યો હતો.
આ અંગે સરદાર સન્માન સંકલ્પ સમિતિ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, કરમસદ વિકસિત ગામ હોવા છતાં મનપામાં સમાવેશ કરીને સરદારના અસ્તિત્વનો નાશ કરવા જે પ્રયત્ન કરાયો છે, તે કરમસદવાસીઓ સહન નહીં કરે. આણંદ જિલ્લામાં સિવિલ હોસ્પિટલ બનાવવામાં નિષ્ફળ ગયેલી સરકાર અને જિલ્લાના ભાજપના નેતાઓ કરમસદને મનપામાં ભેળવી ક્યો વિકાસ કરવા માંગે છે તે સમજાતું નથી. રાજ્ય સરકાર દ્વારા અમારી માંગ નહીં સ્વીકારવામાં આવે તો આગામી સમયમાં રાજ્યસ્તર સુધી આ આંદોલન વિસ્તરવામાં આવશે તેવી ચિમકી ઉચ્ચારી હતી.
મ્યુનિ.કોર્પો.ના લૉગોમાં સરદાર પટેલ અગ્રેસર પણ વતનની ઉપેક્ષા
જિલ્લા કલેક્ટર દ્વારા નગરજનો પાસેથી આણંદ મહાનગરપાલિકાનો લોગોની ડિઝાઈન મંગાવવામાં આવી હતી. તેમજ શ્રેષ્ઠ લોગોને પુરસ્કાર આપવાની જાહેરાત કરી હતી. પરિણામે જિલ્લાભરમાંથી આવેલા લોગોમાં મોટાભાગે નાગરિકો દ્વારા સરદાર પટેલનો ફોટો અથવા તેમના નામ સાથેના લોગો પહોંચાડવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું હતું.
કરમસદ બંધ અંગે ભાજપના નેતાઓની ચૂપકીદી
કરમસદ બંધ અંગે આણંદ જિલ્લા ભાજપ સંગઠનના પદાધિકારીઓ અને નેતાઓ દ્વારા કોઈપણ નિવેદન આપવાનો ઈનકાર કરવામાં આવ્યો હતો. તેમજ આ સરકારનો નિર્ણય છે એમાં અમે કોઈ નિવેદન કરી શકીએ નહીં તેવું રટણ જોવા મળ્યું હતું.