સરદારનગરમાં કંસારાનો કાંઠો નર્ક બન્યો, મચ્છરોના અસહ્ય ઉપદ્રવથી રહિશો ત્રસ્ત
- ગંદકી અને મચ્છરોના ત્રાસથી લોકો બારી-બારણાં પણ નથી ખોલી શકતા
- 50 વારિયા સહિત આસપાસના વિસ્તારમાં મચ્છરજન્ય રોગથી ઘરે-ઘરે માંદગીના ખાટલા, મ્યુનિ. તંત્રની આંખ ઉઘડતી નથી
શહેરના સરદારનગર, ૫૦ વારિયા નજીક કંસારાનો કાંઠો સ્થાનિકો માટે નર્ક સમાન બની ગયો છે. સાફ-સફાઈ કરવામાં આવતી ન હોવાથી અસહ્ય ગંદકી ફેલાઈ રહી છે. સાથે કંસારાના કાંઠામાં જાડી જાખરા ઉગી નીકળ્યા છે. તેમાં પણ છેલ્લા બે-ત્રણ માસથી કંસારાના કાંઠાની ગંદકીના કારણે મચ્છરોનો એટલી હદે ઉપદ્રવ વધ્યો છે કે, આ વિસ્તારમાં રહેતા લોકોનું જીવવું મુશ્કેલ બની ગયું છે. ઘરની બારી કે બારણાં ખુલ્લા રાખવામાં આવે તો મચ્છરોના ઝૂંડ ઘરમાં ઘૂસી જાય છે અને પરિવારજનોને ડંખ મારતા હોવાની વ્યાપક ફરિયાદો ઉઠી છે. ૫૦ વારિયા સહિત આસપાસના વિસ્તારમાં બાળકો, વૃદ્ધો સહિતના લોકો મચ્છરજન્ય રોગની ચપેટમાં આવી રહ્યા છે. મચ્છરોના ત્રાસથી લોકો ગળે આવી ગયા છે, તેમ છતાં મ્યુનિ. તંત્રની આંખ ઉઘડતી નથી. વધુમાં કંસારાના શુદ્ધિકરણ પ્રોજેક્ટનું કામ પણ ઘણાં સમયથી પડતું મુકી દેવામાં આવ્યું હોવાના કારણે ગંદકી-મચ્છરોનો ત્રાસ વધ્યો હોવાની પણ રાવ સ્થાનિકોમાં ઉઠી છે.