ઠાસરાના વલ્લભપુરામાં 25 વીઘા ખેતરમાં કાંસના પાણી ફરી વળ્યાં
- તમાકુ, ઘઉં સહિતના રવી પાકને નુકસાનની ભીતિ
- અનેક રજૂઆતો છતાં મહી સિંચાઈ વિભાગ કાર્યવાહી ન કરતું હોવાના ખેડૂતોના આક્ષેપ
ડાકોર : ઠાસરાના વલ્લભપુરા ગામમાંથી પસાર થતાં કાંસનું પાણી ખેતરોમાં ફરી વળતા રવી પાકને નુકસાન જવાની ભીતિ ખેડૂતોમાં સેવાઈ રહી છે. આ અંગે મહી સિંચાઈ વિભાગ સહિત સંબંધિત તંત્રને અનેક રજૂઆતો કરવા છતાં કોઈ કાર્યવાહી કરવામાં ન આવતી હોવાના આક્ષેપ ખેડૂતોએ લગાવ્યા છે. સમસ્યાનો સત્વરે કાયમી ઉકેલ લાવવા માંગ ઉઠી છે.
વલ્લભપુરા ગામની સીમમાં આવેલા ખેતરોમાં ભર શિયાળે પાણી ફરી વળતા ખેડૂતોમાં રોષ ફેલાયો હતો. અંદાજે ૨૦થી ૨૫ વીઘા જમીનમાં વાવેલા તમાકુ, ઘઉં, દિવેલા સહિતના પાકોમાં પાણી ફરી વળતા નુકસાનીની ભીતિ સેવાઈ રહી છે. ખેડૂતોએ જણાવ્યું હતું કે, મહી કેનાલનું પાણી સુઈ ગામના તળાવમાં ઠાલવવામાં આવે છે. ત્યારબાદ આ તળાવમાં રહેલું પાણી વલ્લભપુરામાં આવેલા કાંસમાંથી ખેતરોમાં ધસી આવે છે. ચોમાસામાં આ સીમ વિસ્તારના ખેડૂતોને જરૂરિયાત હોવા છતાં પાણી મળતું નથી પરંતુ શિયાળામાં આ વિસ્તારમાં વધુ પડતું પાણી આવતું હોવાથી ખેતરોમાં પાણી ફરી વળે છે. પરિણામે ખેડૂતોના રવી પાકને નુકસાન જવાની ભીતિ સેવાઈ રહી છે. આ અંગે અગાઉ અનેકવાર રજૂઆતો કરવા છતાં મહી સિંચાઈ વિભાગ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં ન આવતી હોવાના આક્ષેપ ખેડૂતોએ લગાવ્યા હતા. તેમજ સત્વરે સમસ્યાનો ઉકેલ લાવવા માંગ કરી હતી.