કંકુવરણી ભોમકા પાંચાળની લોક સંસ્કૃતિને ઉજાગર કરતા તરણેતરના મેળાનો પ્રારંભ
ત્રિનેત્રેશ્વર મહાદેવનું પૂજન કરી વરસતા વરસાદ વચ્ચે લોકમેળો ખૂલ્લો મૂકાયો : ગ્રામિણ ઓલમ્પિકસનો પણ પ્રારંભઃ આજે મુખ્યમંત્રી મેળાની મુલાકાતેઃ પાળીયાદના પુ. વિસામણ બાપુની જગ્યાના મહંતના હસ્તે મંદિરે ધ્વજારોહણ
સુરેન્દ્રનગર, : કંકુવરણી ભોમકામાં પ્રતિવર્ષ યોજાતા અને પાંચાળની લોક સંસ્કૃતિને ઉજાગર કરતા જગ વિખ્યાત તરણેતરના લોકમેળાનો આજે વરસતા વરસાદ વચ્ચે શુભારંભ થયો છે. નાયબ મુખ્ય દંડકએ ભગવાન ત્રિનેત્રેશ્વર મહાદેવનું પૂજન-અર્ચન કરી લોકમેળાનો શુભારંભ કરાવ્યો હતો.આ લોકમેળામાં મેળાના આકર્ષણ સમી ગ્રામિણ ઓલમ્પિકસનો શુભારંભ થયો હતો.
તરણેતર લોકમેળાને ખુલ્લો મુક્યો બાદ નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણાએ જણાવ્યું હતું કે, સાંસ્?કૃતિક વિરાસતનો સમૃધ્ધ વારસો ધરાવતા સુરેન્દ્રનગર જિલ્લાના પાંચાળ પ્રદેશમાં યોજાતા તરણેતરના લોકમેળામાં પ્રતિવર્ષ માત્ર ગુજરાતમાંથી જ નહી પરંતુ દેશ-વિદેશથી અનેક શ્રધ્ધાળુઓ આવે છે. આ લોકમેળાનું અનેરૂ મહાત્મ્ય રહેલું છે, તેને ધ્યાને લઈ રાજ્ય સરકાર દ્વારા આ મેળામાં આવતા લોકોને કોઈ મુશ્કેલી ન પડે તે માટેનું આયોજનબધ્ધ કાર્ય પણ કરવામાં આવે છે.
ત્રિનેત્રેશ્વર મહાદેવના પુજન-અર્ચન બાદ મહાનુભાવોએ રાજ્ય સરકારના માહિતી વિભાગ દ્વારા ગુજરાતના વિકાસને ઉજાગર કરતું યશસ્વી ગુજરાતના બે દાયકાના અવિરત વિકાસની સોનેરી ગાથા-પ્રદર્શન તેમજ પશુપાલન વિભાગ દ્વારા ગોઠવવામાં આવેલ પશુ પ્રદર્શનને અને ભારત સરકારના માહિતી અને પ્રસારણ મંત્રાલયના પ્રદર્શનને રીબીન કાપી ખુલ્લા મુકયા હતા. નાયબ મુખ્ય દંડકએ પશુ પ્રદર્શનના સ્થળે ગૌપુજન કરી પશુપ્રદર્શન પણ નિહાળ્યું હતુ.
તરણેતરના આ લોકમેળામાં મેળાના આકર્ષણ સમા ગ્રામિણ ઓલમ્પિકસનો શુભારંભ થયો હતો. તેમાં આજે યોજાયેલી ૩૦૦૦ મીટર દોડમાં પ્રથમ, દ્વિતિય અને તૃતીય સ્થાને આવેલ ખેલાડીઓને પ્રમાણપત્ર તથા રોકડ પુરસ્કાર આપી સન્માનિત કરવામાં આવ્યા હતાં. આ પ્રસંગે ચોટીલા ધારાસભ્ય શામજીભાઈ ચૌહાણ,તરણેતર સરપંચ અશોકસિંહ રાણાસહિતના આગેવાનો , જિલ્લા કલેકટર કે.સી. સંપટ સહિત સંબધિત વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. તા. 19 સપ્ટેમ્બરના રોજ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ મેળાની મુલાકાત લેશે. સવારે 11 કલાકે પાળીયાદના પુ. વિસામણ બાપુની જગ્યાના મહંતશ્રી નિર્મળાબા ઉનડ બાપુ દ્વારા સંતો-મહંતોની ઉપસ્થિતિમાં ત્રિનેત્રેશ્વર મંદિર ખાતે ધ્વજારોહણ કરવામાં આવશે. ત્યારબાદ રાત્રે 9.30 કલાકે માહિતી વિભાગ દ્વારા લોકડાયરાનું આયોજન કરવામાં આવ્યું છે.