10 વર્ષ પહેલા ગેરકાયદે ગર્ભ પરીક્ષણમાં પકડાયેલા કામરેજના ડોકટરને ત્રણ માસની કેદ
શ્રી સાંઇ હોસ્પિટલ અને હાર્ટ એન્ડ જનરલ હોસ્પિટલ પ્રસૂતિગૃહના ડો.રમેશ કુમાવત સામે PNDT એક્ટના ભંગ અંગે ફરિયાદ નોંધાઇ હતી
સુરત
શ્રી સાંઇ હોસ્પિટલ અને હાર્ટ એન્ડ જનરલ હોસ્પિટલ પ્રસૂતિગૃહના ડો.રમેશ કુમાવત સામે PNDT એક્ટના ભંગ અંગે ફરિયાદ નોંધાઇ હતી
આજથી 10 વર્ષ પહેલાં કામરેજ ચાર રસ્તા પાસે ભવાની કોમ્પ્લેક્ષ સ્થિત શ્રી સાંઈ હોસ્પિટલ, હાર્ટ એન્ડ જનરલ હોસ્પિટલ પ્રસૂતિગૃહના આરોપી તબીબને ગેરકાયદે ગર્ભ પરિક્ષણ કરવાના એક્ટની જોગવાઈના ભંગ બદલ કઠોર જ્યુડીશ્યલ મેજીસ્ટ્રેટ હેમલકુમાર રાજેશભાઈ ઠાકોરે દોષી ઠેરવી ત્રણ માસની કેદ, રૃ.10 હજાર દંડ તથા દંડ ન ભરે તો વધુ એક માસની કેદની સજા ફટકારતો હુકમ કર્યો છે.
સુરત જિલ્લા મુખ્ય આરોગ્ય અધિકારી ડૉ.આર.કે.કંછલ તથા તેમની ટીમે તા.4-5-2011 ના રોજ કામરેજ ચાર રસ્તા પાસે ભવાની કોમ્પ્લેક્ષમાં આવેલી શ્રી સાંઈ હોસ્પિટલ,હાર્ટ એન્ડ જનરલ હોસ્પિટલ પ્રસૂતિગૃહની આકસ્મિક તપાસ હાથ ધરી હતી.જે દરમિયાન હોસ્પિટલના તબીબ ડૉ.રમેશ એમ.કુમાવતે ધી પી.એન.ડી.ટી.એક્ટના કાનુની જોગવાઈ મુજબ નિયત ચાજ,ફોર્મ એફ, રિપોર્ટ સંમતિ, લેટર, ડીસ્પ્લે બોર્ડ વગેરે રાખવા બંધાયેલા હોવા છતાં કેટલીક ક્ષતિ જોવા મળી હતી.જે મુજબ હોસ્પિટલમાં સગર્ભા બહેનોની સોનાગ્રાફી કર્યા બાદ ફોર્મ-એફની નકલ બે વર્ષ સુધી રાખવાની હોવા છતાં રાખી નહોતી.ફોર્મ-એફની વિગતો અધુરી હતી.બે વર્ષ સુધીના રેકર્ડ ઉપલબ્ધ ન હતા.જેથી ફરિયાદી આરોગ્ય અધિકારી એ આરોપી તબીબ ડૉ.રમેશ કુમાવત વિરુધ્ધ પી.એન.ડી.ટી.એક્ટની જોગવાઈના ભંગ બદલ ફરિયાદ નોંધાવી હતી.
આજરોજ કેસની અંતિમ સુનાવણી ચાલી જતાં કોર્ટે રેકર્ડ પરના પુરાવા તથા ફરિયાદપક્ષે મુખ્ય જિલ્લા સરકારી વકીલ નયન સુખડવાલાની રજૂઆતોને માન્ય રાખી આરોપી તબીબ ડૉ.રમેશ કુમાવતને પીએનડીટી એક્ટની કલમ-5,6તથા 23 હેઠળ દોષી ઠેરવી ઉપરોક્ત કેદ તથા દંડની સજા ફટકારી હતી. કોર્ટે જણાવ્યું હતં કે આરોપીએ બદઈરાદાથી ફોર્મ-એફ રજીસ્ટરમાં ક્ષતિ રાખી હોય તેવું જણાતું નથી. માત્ર શરતચુકની ભુલના કારણે બન્યું હોવાનું માનીને કોર્ટે મહત્તમ સજાને બદલે શિક્ષા અંગે ઉદાર વલણ દાખવવાથી ન્યાયનો હેતુ જળવાશે તેવો નિર્દેશ આપ્યો હતો.