એક પણ પ્રજોત્પતિ વિના રોજ 4 લિટર જેટલું દૂધ આપતી કામધેનુ
વંથલી તાલુકાના ધંધુસરમાં કુદરતનો કરિશ્મા 2021માં શિવરાત્રિના જન્મેલી ગાયને ગર્ભાશય નથી કે નથી રજસ્વલામાં આવી : બીમાર પડતાં તબીબના કહ્યા મુજબ દોહવાનું શરૂ કર્યું તો ઠીક થઈ ગઈ
જૂનાગઢ, : વંથલી તાલુકાના ધંધુસરમાં એક ખેડૂત પરિવારને ત્યાં કુદરતનો કરિશ્મા થયો છે. તેને ત્યાં 2021માં ગાયે એક સાથે વાછરડા અને વાછરડીને જન્મ આપ્યો હતો. વાછરડીની તપાસ કરતા તેને ગર્ભાશય જ ન હતું. આ ગાય રજસ્વલામાં આવી ન હતી. થોડા સમય પૂર્વે ગાય થોડી બીમાર પડતાં વેટરનરી તબીબે તપાસ કરી પરિવારને ગાય દોહવાનું શરૂ કરવા જણાવ્યું હતું. તે મુજબ દોહવાનું શરૂ કરતાં છેલ્લા બે ત્રણ સપ્તાહથી આ ગાય રોજ ચાર લિટર જેટલું દૂધ આપી રહી છે. શાસ્ત્રોમાં આવી ગાયને કામધેનુ કહેવામાં આવી છે.
આ અંગેની વધુ વિગત મુજબ વંથલી તાલુકાના ધંધુસરમાં રહેતા પૂંજાભાઈ સરમણભાઈ મૂળિયાસીયાની ગાયે 2021ના વર્ષમાં મહાશિવરાત્રીની રાત્રે એક વાછરડાને જન્મ આપ્યો હતો, તેની થોડી વાર બાદ વાછરડીને જન્મ આપ્યો હતો. ત્યારે વેટરનરી તબીબે વાછરડી પાછળથી આવી છે એટલે તેમાં કઈ ખોડખાંપણ હશે એમ જણાવ્યું હતું. ખેડૂત પરિવારે સ્નેહ પૂર્વક વાછરડા અને વાછરડીનો ઉછેર કર્યો હતો. ખેડૂત પૂંજાભાઈએ જણાવ્યું હતું કે વાછરડો દોઢ બે વર્ષનો થયો ત્યારે તેને શેરનાથબાપુને અર્પણ કર્યા હતો. વાછરડી અઢી ત્રણ વર્ષની થઈ ત્યારે વેટરનરી તબીબે તપાસ કરતા તેને ગર્ભાશય ન હોવાનું જાણવા મળ્યું હતું. આ વાછરડીને માલ ગામે રહેતો તેમનો ભાણેજ લઈ ગયો હતો. થોડા સમય પહેલા એ ગાયને ધંધુસર લઈ આવવામાં આવી હતી. ગાયને તાવ આવી જતા ભાણેજે કુતિયાણાના વેટરનરી તબીબને મોકલ્યા હતા, તેઓએ ગાયની તપાસ કરી આ ગાયને દોહવાનું શરૂ કરવા જણાવ્યું હતું. છેલ્લા 15-20 દિવસથી દોહવાનું શરૂ કર્યું છે. શરૂઆતમાં સવાર એક દોઢ લિટર આસપાસ દૂધ આપતી હતી, હાલ સવાર સાંજ બે- બે લિટર જેટલું દૂધ આપે છે. આમ આ કામધેનુ રજસ્વલામાં આવતી નથી, ગર્ભાશય ન હોવાથી પ્રસુતિ થઈ નથી છતાં રોજ કુલ ચાર લિટર દૂધ આપે છે. આ ગાયની જીભ, ચારેય આંચળ અને કાન કાળા છે. ખેડૂત પરિવાર તેને પોતાનાં ઘરની સભ્ય જ માને છે. વધુમાં પૂંજાભાઈએ જણાવ્યું હતું કે, આ ગાય આજીવન દૂધ આપશે તેમજ વચ્ચે વસુકી જવાનો સમય પણ આવે એવી સંભાવના પણ નથી. શાસ્ત્રોમાં આવી ગાયને કામધેનુ કહેવામાં આવી છે.
17.51 લાખમાં માગણી છતાં પરિવારનો ગાય આપવા ઈન્કાર
આ કામધેનુ ગાયને થોડા સમય પહેલા 17.51 લાખમાં માંગવામાં આવી હતી છતાં ગીર પ્રજાતિની આ ગાયને આપવા પરિવારે ના પાડી દીધી હતી. રોજ બ રોજ ગાયને જોવા અને તેને લેવા માટે લોકો આવતા રહે છે પરંતુ ખેડૂત પરિવારે તો આ ગાયને આજીવન પોતાના પરિવારની સભ્ય જ બનાવી કોઈને ન આપવાનો સંકલ્પ કરી લીધો છે.