છુપા અસંતોષ વચ્ચે કલોલ નગરપાલિકામાં પ્રમુખ-ઉપપ્રમુખની કરાઈ વરણી
પ્રમુખ પદે વોર્ડ નંબર એકના શૈલેષ પટેલ અને ઉપપ્રમુખ પદ પર વોર્ડ અગિયારના હિમાક્ષી સોલંકીની વરણી
પ્રકાશ વરઘડેની કારોબારી સમિતિના ચેરમેન માટે પસંદગી કરાઈ હતી
કલોલ નગરપાલિકામાં અઢી વર્ષની ટર્મ પૂર્ણ થતા પદાધિકારીઓની વરણી કરાઈ હતી. પ્રમુખ પદે વોર્ડ નંબર એકના શૈલેષ પટેલ અને ઉપપ્રમુખ પદ પર વોર્ડ અગિયારના હિમાક્ષી સોલંકીની વરણી થઈ છે. પ્રકાશ વરઘડેની કારોબારી સમિતિના ચેરમેન માટે પસંદગી કરાઈ હતી. પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે પ્રાંત અધિકારીની અધ્યક્ષતામાં મળેલી સભા પ્રમુખ-ઉપપ્રમુખના નામોની જાહેરાત કરી આટોપી લેવાઈ હતી. ત્યારબાદ પદાધિકારીઓને નગરસેવકોએ અભિનંદન પાઠવ્યા હતા.
કલોલ નગરપાલિકામાં નવા પદાધિકારીઓના નામની જાહેરાત થતા જ હાજર સત્તા પક્ષના સભ્યોના મોં પડી ગયા હતા. અમુક સભ્યોએ તો નવા પ્રમુખ,ઉપપ્રમુખ અને કારોબારી સમિતિના ચેરમેનની વરણી થયા બાદ શુભેચ્છા પાઠવીને સીધી ચાલતી જ પકડી હતી. ભાજપના નગરસેવકોમાં નવા પદાધિકારીઓની વરણી વિરુદ્ધ રોષ જોવા મળી રહ્યો છે. આગામી સમયમાં અસંતોષ વધે તેવી શક્યતા નકારી શકાય નહીં. અસંતુષ્ટ નગરસેવકો પક્ષની મર્યાદાને કારણે જાહેરમાં બોલવા તૈયાર નથી પરતું સમય અને સંજોગોની રાહ જોતા હોય તેમ લાગી રહ્યું છે.
બીજી તરફ જે નગરસેવકો વહીવટી કુશળતા ધરાવતા અને પ્રમુખપદ માટે લાયક હતા તેમનું પત્તું કપાયું છે જેથી નારાજગી જોવા મળી છે. આ નારાજગીનો સૂર આગામી સમયમાં પ્રબળ બને તેમ છે. એક ચર્ચા અનુસાર ચેક્ક સુધી આગળ ચાલતા નગરસેવકનું નામ રાત્રે જ બદલાઈ ગયું હતું. ભાજપે પ્રમુખ અને ઉપ પ્રમુખની નિમણૂકમાં કાચું કાપ્યું હોય તેવો ગણગણાટ શહેરમાં થઇ રહ્યો છે.
આગામી અઢી વર્ષની ટર્મ કપરી રહેશે
કલોલ નગરપાલિકામાં નવા પદાધિકારીઓ અઢી વર્ષ પૂર્ણ કરશે કે કેમ તેવી આશંકા વ્યક્ત કરાઈ રહી છે. અગાઉના પ્રમુખ વહીવટી રીતે કુશળ હતા જ્યારે નવનિયુક્ત પ્રમુખ વહીવટ કરવામાં કાચા સાબિત થઇ શકે છે. ભાજપના નગરસેવકોનો છૂપો અસંતોષ જોતા નગરપાલિકામાં નવા જૂની થઇ શકે તેવી પણ શક્યતા છે.
પક્ષ વિરોધી કામગીરી કરનારાને શિરપાવ મળ્યો
કલોલ શહેર ભાજપ સંગઠનમાં પણ નારાજગી જોવા મળી છે. પક્ષના જુના અને કર્મઠ નગરસેવકોને હોદ્દા આપવાને બદલે અન્ય પક્ષમાંથી આવનાર અને પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરનારાઓને હોદ્દાઓની લહાણી કરવામાં આવી હોવાનું કાર્યકરો જણાવી રહ્યા છે. આ ઉપરાંત ઉપપ્રમુખ પદને લઈને પણ નગરસેવકોમાં અસંતોષ હોવાનું સામે આવ્યું છે.