કલોલ હાઇવે પર બંધ સ્ટ્રીટ લાઈટથી અંધારપટ છવાયો, લોકોમાં રોષ
ઓવરબ્રિજ-અંબિકા બસ સ્ટેન્ડ ખાતે કેટલાય સમયથી સ્ટ્રીટ લાઈટ બંધ રહેતા હાલાકી
કલોલ: કલોલના અંબિકા બસ સ્ટેન્ડ પાસે લાઈટ બંધ રહેતા અંધારપટ છવાયો છે. જેને કારણે રાત્રીના સમયે મુસાફરી કરતા મુસાફરોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. છેલ્લા કેટલાય સમયથી વીજ પોલ પર શોભાના ગાંઠિયા સમાન બંધ સ્ટ્રીટ લાઈટથી લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. આ સંજોગોમાં અકસ્માત સર્જાય તો જવાબદાર કોણ તે પણ પ્રશ્ન ઉપસ્થિત થયો છે.
અંધારપટ છવાતા અકસ્માતનો ખતરો
કલોલમાંથી પસાર થતા અમદાવાદ-મહેસાણા ટોલ રોડ પર અનેક સમસ્યાઓ સર્જાઈ છે. અંબિકા બસ સ્ટેન્ડ પાસે હાઈવે સાંકડો થઇ જતા છાસવારે અકસ્માત સર્જાતા હોય છે. હવે આ હાઇવે પર સ્ટ્રીટ લાઈટ ચાલુ ન હોવાથી લોકોની હાલાકીમાં વધારો થયો છે. અંબિકા બસ સ્ટેન્ડ પાસે ગણીગાંઠી લાઈટ ચાલુ છે. બોરીસણા ગરનાળા ઓવરબ્રિજ અને અંબિકા ગરનાળા ઓવરબ્રિજ પરની તમામ લાઈટ બંધ હાલતમાં છે. જેને કારણે અંધારપટ છવાતા અકસ્માતનો ખતરો રહેલો છે.આટઆટલા અકસ્માત છતાં તંત્ર તેમાંથી કોઈ ધડો લેતું ન હોય તેમ લાઈટ રીપેર નહી કરતા રોષ ફેલાયો છે.
અવારનવાર લાઈટો બંધ રહેતી હોય છે
રાત્રી દરમિયાન અંબિકા હાઇવે તેમજ બંને ઓવરબ્રિજ પરથી પસાર થતા લોકો લાઈટના અભાવે સમસ્યાનો સમાનો કરી રહ્યા છે. આ ઉપરાંત વર્કશોપ અને સિંદબાદ બ્રીજ ઉપર પણ અવારનવાર લાઈટો બંધ રહેતી હોય છે. રાત્રી દરમિયાન લાઈટો ચાલુ ન હોવાથી વાહનચાલકો અકસ્માત પણ સર્જી શકે છે. આ બાબતને લઈને તંત્રને અનેક રજૂઆત કરવામાં આવી હોવા છતાં તેને ચાલુ કરવામાં નહીં આવતા રોષ ફેલાયો છે.