ગોધરાની શાળામાં દાઝી જવાથી બાળકીના મોતનો કેસ, ઈન્ચાર્જ આચાર્યા સહિત બે શિક્ષિકાને કરાયા સસ્પેન્ડ
Godhra Kajiwada Primary School Teachers Suspended : પંચમહાલના ગોધરાની કાજીવાડા ગુજરાતી પ્રાથમિક શાળાની ધોરણ 8ની વિદ્યાર્થિની જ્વલનશીલ પદાર્થથી દાઝી ગઈ હતી, જેનું 35 દિવસની સારવાર બાદ મોત થયું હતું. સમગ્ર ઘટનાને લઈને જિલ્લા પ્રાથમિક શિક્ષણ વિભાગ દ્વારા ઇન્ચાર્જ આચાર્યા અને બે શિક્ષિકાને છ મહિના માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
ઈન્ચાર્જ આચાર્યા સહિત બે શિક્ષિકા સસ્પેન્ડ
ગત 16 ઑગસ્ટે શાળાના ક્લાસરૂમાં વિદ્યાર્થિની દાઝી ગયા પછી વડોદરાની ખાનગી હોસ્પિટલમાં ખસેડાઈ હતી. જ્યાં લાંબી સારવાર બાદ વિદ્યાર્થિનીનું મોત નીપજ્યું હતું. જે મુદ્દે વિદ્યાર્થિનીના પરિવારજનોએ કાજીવાડા પ્રાથમિક શાળાના ઇન્ચાર્જ આચાર્યા સામે પોલીસ ફરિયાદ પણ નોંધાવવામાં આવી છે. શાળામાં વિદ્યાર્થિની દાઝી હોવાની ઘટનામાં ગંભીર બેદરકારી દાખવનારા ઇન્ચાર્જ આચાર્યા જયશ્રીબહેન, શિક્ષિકા પાર્વતીબહેન અને ભૂમિકાબહેનને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી દ્વારા છ મહિના માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
આ પણ વાંચો : ગોધરાની શાળામાં દાઝી ગયેલી બાળકીનું મોત, જવાબદાર શિક્ષકો સામે પરિવારે નોંધાવી ફરિયાદ
શું હતી શિક્ષકોની બેદરકારી?
શાળામાં દાઝી ગયેલી વિદ્યાર્થિનીની સારવારની જવાબદારી જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીએ શાળાના શિક્ષકોને સોંપી હતી. ગોધરાની હોસ્પિટલમાં વિદ્યાર્થિનીની તબિયતમાં સુધારો ન થતા તેને વડોદરાની ખાનગી હોસ્પિટલમાં રીફર કરવામાં આવી હતી. પરિવારે સારવાર માટે શિક્ષકોને ફોન કરીને જાણ કરી હતી, પરંતુ શિક્ષકોએ સારવાર માટે પૈસા આપવાની ના પાડી હતી. અંતે પૈસાના અભાવે યોગ્ય સારવાર ન મળતા વિદ્યાર્થિનીનું મોત નીપજ્યું હોવાનો આક્ષેપ થઈ રહ્યો છે.