કૈલાસનાથનની CM સાથે મુલાકાતથી ગુજરાતના વહીવટી તંત્રમાં મોટા બદલાવની અટકળો, કેબિનેટ વિસ્તરણની પણ ચર્ચા
Gujarat Politics: ગુજરાત કેડરના નિવૃત્ત આઇએએસ અને પુડુચેરીના લેફટનન્ટ ગવર્નર કે. કૈલાસનાથન ગુજરાતની મુલાકાતે આવ્યા હતા અને રાજ્યના મુખ્યમંત્રી સાથે ત્રણ કલાક ચર્ચા કરી હતી. એવું કહેવાય છે કે રાજ્યની વર્તમાન રાજકીય પરિસ્થિતિ, કાયદો અને વ્યવસ્થા તેમજ વહીવટી તંત્ર જેવા મુદ્દાઓ સામેલ હતા.
આ મુલાકાત એવા સમયે થઇ છે કે વિધાનસભાનું બજેટ સત્ર પૂર્ણ થવા આવ્યું છે. રાજ્ય મંત્રીમંડળમાં ફેરફારના ઇસ્યુ ઘણાં લાંબા સમયથી પેન્ડીંગ છે ત્યારે આ મુલાકાતે ફરીથી આ મુદ્દાને જીવંત કર્યો છે. મહત્ત્વનું છે મુખ્યમંત્રીના ગાંધીનગરના નિવાસસ્થાને આ બેઠક યોજાઇ હતી.
નજીકના દિવસોમાં આઇપીએસ અને આઇએએસ અધિકારીઓની બદલીઓ આવી રહી છે તે પહેલાં આ મુલાકાતને સૂચક માનવામાં આવે છે. આ બેઠકમાં રાજ્ય ગૃહમંત્રી અને ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત હોવાથી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અંગે ચર્ચા થઇ હોવાનું પ્રબળ અનુમાન વ્યક્ત કરવામાં આવી રહ્યું છે.
આ મુલાકાત પછી ગુજરાતના પોલીસ વિભાગ અને વહીવટી તંત્રમાં ફેરફારોની સંભાવના નકારી શકાય તેમ નથી. કૈલાસનાથન લેફ્ટનન્ટ ગવર્નર બન્યા તે પહેલાં મુખ્યમંત્રીના ચીફ પ્રિન્સિપલ સેક્રેટરી તરીકે ફરજ બજાવતા હોવાથી ગુજરાતના વહીવટી તંત્રની નાળ તેઓ પારખી શકે છે.
વિધાનસભાના સત્ર પછી કેબિનેટના વિસ્તરણની ચર્ચાએ જોર પકડ્યું છે ત્યારે આ ગુપ્ત મુલાકાતમાં કેબિનેટના વિસ્તાર અંગે પણ ચર્ચા થઇ હોવાનું જાણવા મળ્યું છે. હાલ રાજ્ય મંત્રીમંડળમાં આઠ કેબિનેટ અને આઠ રાજ્યકક્ષાના મંત્રીઓ છે જે પૈકી નબળી કામગીરી કરી હોય તેવા મંત્રીઓને પડતા મૂકી સાત થી આઠ નવા ચહેરાનો સમાવેશ થઇ શકે છે.
1979ની બેચના નિવૃત્ત અધિકારી કૈલાસનાથન અત્યારે સાબરમતી આશ્રમના ડેવલપમેન્ટની જવાબદારી પણ સંભાળે છે તેથી આશ્રમની કામગીરી અંગે પણ તેમણે ચર્ચા કરી હોવાનું માનવામાં આવે છે. આ બેઠકનું આયોજન હાઇકમાન્ડના સૂચન પછી થયું હોવાનું પણ ચર્ચાઇ રહ્યું છે.