કડીની ભાગ્યોદય હોસ્પિટલ PMJAYના કૌભાંડનું એપી સેન્ટર, ક્લેમ કરીને 6 કરોડની કરી કમાણી
Kadi Bhagyoday Hospital : કોર્પોરેટ-ખાનગી હોસ્પિટલમાં ગરીબ દર્દીઓને મોકલી સરકારી યોજના થકી નાણાં કમાવવાનું રીતસર કૈાભાંડ ચાલી રહ્યું છે ત્યારે અમદાવાદમાં ખ્યાતિ હોસ્પિટલ જ નહી, કડી શહેરમાં ભાગ્યોદય હોસ્પિટલ જ પીએમજેવાયએ યોજનાનું એપી સેન્ટર રહ્યું છે. ભાગ્યોદય હોસ્પિટલમાં પણ અમદાવાદથી કાર્ડિયોલોજીસ્ટ બોલાવીને દર્દીઓની હાર્ટ સર્જરી કરવામાં આવતી હતી.
એવી પણ ચર્ચા છેકે, પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતીન પટેલ સાથે જોડાયેલાં એક ગ્રુપનું ભાગ્યોદય હોસ્પિટલ સાથે કનેક્શન છે. જો ભાગ્યોદય હોસ્પિટલમાં દર્દીઓની કરાયેલી સારવારના કલેઇમ સહિત અન્ય બાબતની નિષ્પક્ષ તપાસ કરવામાં આવે તો પીએમજેવાય યોજનાનું મોટું કૌભાંડ બહાર આવી શકે તેમ છે.
2700 એન્જિયોગ્રાફી, 1100 એન્જિયોપ્લાસ્ટી કરી રૂા.6 કરોડથી વઘુની કમાણી કરી
ગામડામાં દર્દીઓને લાવી હાર્ટની સારવાર પેટે પીએમજેવાયએ યોજના હેઠળ ભાગ્યોદય હોસ્પિટલના સંચાલકો મોટી કમાણી કરતાં હતાં. એવી જાણકારી મળી રહી છેકે, ટુંકા ગાળામાં જ ભાગ્યોદય હોસ્પિટલે 2700 એન્જિયોગ્રાફી અને 100 એન્જિયોપ્લાસ્ટી કરી હતી. આ સર્જરી પેટે ભાગ્યોદય હોસ્પિટલના સંચાલકોએ આરોગ્ય વિભાગમાં ક્લેઇમ કરીને રૂા.6 કરોડથી વઘુ નાણાં મેળવ્યા હતાં. સવાલ એ ઉભો થયો છેકે, કડી જેવા શહેરમાં આટલી બધી હાર્ટ સર્જરી થતી હોવા છતાંય આરોગ્ય વિભાગને જરાય શંકા સુઘ્ધાં ઉભી થઇ ન હતી.
ઉલ્લેખનીય છેકે, ખ્યાતિ કાંડના મુખ્ય સૂત્રધાર ડો.પ્રશાંત વજીરાણી પણ ભાગ્યોદય હોસ્પિટલમાં દર મંગળવારે વિઝીંટીગ તરીકે આવતાં હતા. ઘણાં વખતથી ખ્યાતિ હોસ્પિટલની જેમ ભાગ્યોદય હોસ્પિટલમાં ગરીબ દર્દીઓના જીવ સાથે ચેડાં કરવામાં આવી રહ્યાં હતાં તેમ છતાં આરોગ્ય વિભાગને ભનક લાગી નહી. સ્થાનિકોનું કહેવુ છેકે, કડીની ભાગ્યોદય હોસ્પિટલ ઉપરાંત મહેસાણાની સંકુજ હોસ્પિટલ સામે અનેક ફરિયાદો ઉઠી છે. દર્દીઓએ લેખિત ફરિયાદ સુઘ્ધાં કરી છે પણ રાજકીય વગને કારણે હોસ્પિટલના સંચાલકા-ડોક્ટરોને આજદીન સુધી ઉની આંચ આવી શકી નથી.
હૃદયરોગનો ડર દર્શાવીને એન્જિયોપ્લાસ્ટી કરીને નાણાં ખેખેરવામાં આવી રહ્યા છે તેમ છતાંય ભાગ્યોદય હોસ્પિટલના સંચાલકો વિરૂઘ્ધ કોઇ પગલાં ભરાયા નથી. મહત્વની વાત એછેકે, ખ્યાતિ કાંડ બાદ હાલ આરોગ્ય વિભાગ તપાસનું નાટક રચી રહ્યુ છે પણ દર્દીઓની જીવ સાથે ચેંડા થયાં એનુ શું? દર્દીઓની જાણ બહાર સ્ટેન્ટ નાંખી દેવાયાં એનુ શું? દર્દીઓનો આરોગ્ય સેવાઓ પરથી ભરોસો ઉઠી ગયો એનું શું?
મહત્વની વાત એછેકે, હજુ સુધી આરોગ્ય વિભાગ હોસ્પિટલ સંચાલકો - ડોક્ટરો વિરૂઘ્ધ દાખલો બેસે એવી કાર્યવાહી કરવા હરફ સુઘ્ધાં ઉચ્ચાર્યો નથી. એટલુ જ નહીં, ભાગ્યોદય હોસ્પિટલ પાસેથી લાખો કરોડો રૂપિયા રિકવરી કરવા માટે કોઇ પગલાં ભરવા એક કદમ આગળ વધી શક્યુ નથી. આ જોતાં ભાજપના મોટા ગજાના નેતાઓ સાથેના પોલિટીકલ કનેક્શનને લીધે ખ્યાતિની જેમ ભાગ્યોદય હોસ્પિટલ પ્રકરણ પર ઠંડુ પાણી રેડાઇ જશે તે વાત નક્કી છે.