સ્થાનિક એકમની ચૂંટણી પહેલા કોંગ્રેસને ઝટકો, જૂનાગઢના બે ઉમેદવાર ભાજપમાં જોડાઈ ગયા
Gujarat Election: સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને તમામ પાર્ટીએ તડામાર તૈયારીઓ શરૂ કરી દીધી છે. ત્યારે જૂનાગઢમાંથી મોટા સમાચારે સામે આવી રહ્યાં છે. જૂનાગઢ મનપા ચૂંટણી પહેલાં વોર્ડ નંબર 13ના કોંગ્રેસના બે સત્તાવાર ઉમેદવારોએ કોંગ્રેસ સાથે છેડો ફાડી કેસરિયો ધારણ કરી લીધો છે. કોંગ્રેસના ઉમેદવાર મહેશ ગરાણિયા અને ક્રિષ્નાબેન વાઢેર ભાજપમાં જોડાઈ ગયાં છે. નોંધનીય છે કે, આ અગાઉ વોર્ડ નંબર 3, 14 અને 8માં પણ ભાજપની બિનહરીફ જીત નોંધાઈ ચુકી છે.
જૂનાગઢમાં કોંગ્રેસના 60 ઉમેદવારોમાંથી મતદાન પહેલાં જ ભાજપના વોર્ડ નંબર 3, વોર્ડ નંબર 14 અને વોર્ડ નંબર 8ના કોંગ્રેસના ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચી લેતાં ભાજપની બિનહરીફ જીત થઈ છે. આ સિવાય વોર્ડ નં.12ના કોંગ્રેસના ઉમેદવારે ફોર્મ પરત ખેંચી લીધુ છે પરંતુ ત્યાં અન્ય ઉમેદવાર હોવાથી બેઠક બિનહરીફ નથી થઈ.
ચૂંટણી આયોગે કરી જાહેરાત
ગુજરાત રાજ્ય ચૂંટણી આયોગ કમિશ્નર ડૉ. એસ. મુરલી ક્રિષ્નાએ પ્રેસ કોન્ફરન્સ કરીને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની તારીખો જાહેર કરી છે. જે અનુસાર, 16 ફેબ્રુઆરીના રોજ મતદાન થશે. જ્યારે 18 ફેબ્રુઆરીના રોજ મતગણતરી યોજવામાં આવશે. ધાનેરા નગરપાલિકાની ચૂંટણીનો કાર્યક્રમ જાહેર નથી કરાયો.
આ પણ વાંચોઃ સુરતમાં 50 મુસાફરોને લઈ જતી બસ અને ડમ્પર વચ્ચે ભયંકર ટક્કર, 15 ઈજાગ્રસ્તમાંથી 1નું મોત
સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો કાર્યક્રમ
- ઉમેદવારી પત્રો ભરવાની છેલ્લી તારીખ: 1 ફેબ્રુઆરી 2025
- ઉમેદવારી પત્રોની ચકાસણીની તારીખ: 3 ફેબ્રુઆરી 2025
- ઉમેદવારી પરત ખેંચવાની છેલ્લી તારીખ: 4 ફેબ્રુઆરી 2025
- મતદાનની તારીખ: 16 ફેબ્રુઆરી 2025 (રવિવાર)
- મતદાનનો સમય: સવારે 7 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધી
- મતગણતરીની તારીખ: 18 ફેબ્રુઆરી 2025 (મંગળવાર)