કડાકા, ભડાકા સાથે જૂનાગઢમાં અડધો ઈંચ કમોસમી વરસાદ, ખેતરોમાં પાણી ભરાયા, ગિરનાર રોપ-વે બંધ
વંથલીમાં બે, કેશોદમાં દોઢ, માળીયા હાટીનામાં એક, જૂનાગઢમાં અડધો ઇંચ કમોસમી વરસાદ
કમોસમી વરસાદે ચિંતા વધારી : ચોરવાડ, ગડું અને ઉના, સામતેર પંથકમાં માવઠાથી રવીપાકને નુકસાન
જૂનાગઢ, તા.26 નવેમ્બર-2023, રવિવાર
જૂનાગઢ જિલ્લામાં આજે વહેલી સવારથી કડાકા ભડાકા સાથે કમોસમી વરસાદ શરૂ થયો હતો.વંથલીમાં બે,કેશોદમાં દોઢ,માળીયાહાટીનામાં એક અને જૂનાગઢમાં અડધો ઇંચ વરસાદ પડયો હતો.આ ઉપરાંત ચોરવાડ,ગડું,કુકડવાડા સહિતના વિસ્તારોમાં અડધાથી એક ઇંચ કમોસમી વરસાદ પડતાં ખેડુતોમાં ચિંતા વ્યાપી હતી.
કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ
કારતક માસમાં ઠંડીનો અનુભવ થાય છે.પરંતુ જૂનાગઢ સહિત જિલ્લાભરમાં સવાર સાંજ ઠંડી અને બપોરે ગરમીનો અનુભવ થઈ રહ્યો છે. આજે વહેલી સવારથી વાતાવરણમાં પરિવર્તન આવ્યું હતું. અને કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ શરૂ થયો હતો. વહેલી સવારે છ વાગ્યાથી દસ વાગ્યા સુધીમાં જિલ્લામાં સૌથી વધુ વંથલીમાં બે ઇંચ વરસાદ પડયો હતો. જેના કારણે બાગાયતી પાક તેમજ રવીપાકને નુકસાન થયું હતું. આ ઉપરાંત કેશોદમાં ધોધમાર દોઢ ઇંચ વરસાદ થયો હતો. રસ્તાઓ પર પાણી વહેવા લાગ્યા હતા.
ખેતરોમાં પાણી ભરાયા પાકને નુકસાન
ગ્રામ્ય વિસ્તારોમાં ખેતરોમાં પાણી ભરાઈ જતા પાકને નુકસાન થયું હતું.જ્યારે માળીયા હાટીના તાલુકામાં એક ઇંચ,જૂનાગઢ અને માંગરોળ પંથકમાં અડધો ઇંચ વરસાદ પડયો હતો. વિસાવદરમાં પોણો તેમજ મેંદરડામાં ૭મીમી,માણાવદરમાં ગાજવીજ સાથે ૩ મીમી વરસાદ નોંધાયો હતો. જ્યારે ચોરવાડ,કુકસવાડા,ગડું,ઉના,સામતેર સહિતના વિસ્તારોમાં અડધાથી એક ઇંચ વરસાદ પડતાં રવી પાકને નુકસાન થવાથી ખેડુતોમાં ચિંતા વ્યાપી હતી. અગાઉ વરસાદની આગાહી હોવાથી માર્કેટ યાર્ડ તેમજ ખેડુતોએ માલ સમાન સુરક્ષિત સ્થળે રાખી દીધો હોવાથી આ નુકસાન અટક્યું હતું. શિયાળાની ઠંડીના બદલે ચોમાસા જેવો માહોલ થઈ જતા લોકોને ફરી રેઇનકોટ કાઢવા પડે એવું વાતાવરણ થઈ ગયું હતું.
ભવનાથ અને ગિરનાર પર એકાદ ઇંચ વરસાદ, રોપવે બંધ રાખવો પડ્યો
જૂનાગઢમાં અડધો ઇંચ વરસાદ થયો હતો.પરંતુ ભવનાથ તળેટી અને ગિરનાર ક્ષેત્રમાં એકાદ ઇંચ વરસાદ થયો હતો.વીજળીના કડાકા ભડાકા થતા સવારે રોપવેને બંધ રાખવો પડ્યો હતો.બહારથી આવેલા અનેક યાત્રીઓને રોપવેની સફર વગર જ રવાના થવુ પડ્યું હતું.