કમોસમી વરસાદથી કપાસ, ઘઉં, જીરૂ, ચણા સહિતના પાકને નુકસાનની ભીતિ
તુવેરના પાકમાં ફલાવરીંગ ખરી જવાથી ઉત્પાદનમાં થશે અસર
છેલ્લા ત્રણ ચાર દિવસમાં વાવેતર કરેલા ઘઉં,જીરૂ,ધાણા દબડાઈ જવાની સંભાવના
જૂનાગઢ, તા.26 નવેમ્બર-2023, રવિવાર
જૂનાગઢ સહિત સમગ્ર જિલ્લામાં આજે સવારે કમોસમી વરસાદ થતાં દોડધામ થઈ ગઈ હતી.કમોસમી વરસાદના કારણે ઘઉં,ચણા,જીરૂ,તુવેર,તેમજ કપાસના પાકમાં નુકસાન થવાની ભીતિ સર્જાઈ છે.જેના કારણે ખેડુતોમાં ચિંતા વ્યાપી છે.
ચોમાસુ સારૂ રહ્યું હોવાથી જૂનાગઢ જિલ્લામાં એકાદ લાખ હેકટરમાં રવી પાકનું વાવેતર થયું છે.આજે સવારે જિલ્લાભરમાં ઝાપટાથી માંડી દોઢ ઇંચ વરસાદ પડયો હતો. આ કમોસમી વરસાદના કારણે કપાસ,તેમજ ઘઉં,ધાણા,જીરૂ, તુવેરના પાકમાં નુકસાન થવાની ભીતિ સર્જાઈ છે.આ અંગે કૃષિ નિષ્ણાત સુભાષભાઇ ચોથાણીએ જણાવ્યું હતું કે હાલ કપાસમાં જીંડવા ફાટેલા છે.તેમાં કપાસિયા ઊગી જશે.જેથી રૂની ગુણવત્તા બગડશે.છેલ્લા ત્રણ ચાર દિવસમાં ઘઉં,જીરૂ,ધાણાનું વાવેતર થયું છે.તે દબડાઈ જશે.અને ઉગાવો ઓછો આવશે.ચણા ઉગીને ૨૫ દિવસના થયા હશે તેમાં વરસાદ પડવાથી કુદરતી ખાર ધોવાઈ જવાથી ઉત્પાદન ઘટશે.જ્યારે ઉગી ગયેલા જીરૂ અને ધાણાના પાકમાં ભેજ વધવાથી ફૂગનો રોગ વધવાની શકયતા છે. તુવેરના પાકમાં ફલાવરીંગ ખરી જવાથી ઉત્પાદન ઘટશે.ડુંગળી અને લસણને કોઈ નુકસાન નહિ થાય. બારાડી અને બરડા વિસ્તારમાં હાલ મગફળી કાઢવાની કામગીરી ચાલી રહી છે.ત્યાં પશુનો ચારો અને મગફળી પલળી ગઈ છે.
માવઠા બાદ દસ દિવસ સુધી પિયત ન આપવા ખેડૂતોને સલાહ
માવઠા બાદ પાકમાં દસ દિવસ સુધી પિયત ન આપવા સલાહ આપવામા આવી છે.આ ઉપરાંત પાકમાં ફૂગ ન લાગે એ માટે તુરંત જીરૂ,ધાણા, જેવા પાકમાં ફૂગનાશક દવાનો છંટકાવ કરવાથી પાકને બચાવી શકાશે.