જૂનાગઢમાં આપના ઉમેદવાર જ ભાજપમાં જોડાઈ ગયા ! છેલ્લી ઘડીએ વિકાસ અંગેનું જ્ઞાન થતા લોકોમાં આશ્ચર્ય
Junagadh Municipal Corporation : જૂનાગઢ મનપાની ચૂંટણીમાં વોર્ડ નં. 11માંથી આમ આદમી પાર્ટીના ઉમેદવાર જ ભાજપમાં જોડાઈ ગયા છે. ભાજપને વધુ એક ઉમેદવારને પોતાના પક્ષમાં કરવામાં સફળતા મળી છે. આમ આદમી પક્ષમાંથી ઉમેદવારી કર્યા બાદ હવે છેક ભાજપના વિકાસ અંગેનું જ્ઞાાન થયું હોય તેમ ઉમેદવાર ચૂંટણી જંગમાંથી હટી જતા લોકોમાં આશ્ચર્ય છવાયું છે.
જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણી પૂર્વે હાલ રાજકીય પક્ષ દ્વારા મતદારો તો ઠીક ઉમેદવારોને જ પોતાની તરફેણમાં કરવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આજે આમ આદમી પાર્ટીના આગેવાને જૂનાગઢમાં આવી ભાજપ દ્વારા પોતાના પક્ષના ઉમેદવારોને ડરાવી ધમકાવી પ્રલોભનો આપવામાં આવી રહ્યા હોવાનો આક્ષેપ કર્યો હતો.
વોર્ડ નં. 11ના આમ આદમી પાર્ટીના ઉમેદવાર અનિલ કાછડીયાએ ચૂંટણી લડવાના બદલે ભાજપના ઉમેદવારોને સમર્થન આપી ભાજપમાં જોડાઈ ગયા હતા.
તેણે જણાવ્યું હતું કે, વિકાસ કામ અને વિસ્તારના લોકોના સંતોષને ધ્યાને લઈ મેં વોર્ડ નં. 11ના ભાજપના ઉમેદવારોને સમર્થન જાહેર કરી ભાજપમાં જોડાયો છું. અનિલ કાછડીયાએ આમ આદમી પાર્ટીમાંથી ઉમેદવારી કરી હતી.
આટલા દિવસો પક્ષના ઉમેદવાર તરીકે ચૂંટણી લડવા પ્રયાસ કર્યા હતા. અચાનક વિકાસનું જ્ઞાાન થયું હોય તેમ ભાજપમાં જોડાઈ જતા લોકોમાં આશ્ચર્ય સાથે અનેક સવાલો ઉઠયા છે.