'હું ICUમાં દાખલ છું', જૂનાગઢના ભવનાથ આશ્રમના મહંત ઈન્દ્રભારતી બાપુની તબિયત લથડી, ડૉક્ટરે આરામ કરવાની આપી સલાહ
Indra Bharati Bapu health: જૂનાગઢના ભવનાથ આશ્રમના મહંત ઈન્દ્રભારતી બાપુની તબિયત લથડી છે. મળતી માહિતી અનુસાર, થોડા દિવસ અગાઉ પ્રયાગરાજ મહાકુંભમાં તબિયત લથડતાં તેમને ICUમાં દાખલ કરવામાં આવ્યા હતા. ઈન્દ્રભારતી બાપુને ફેફસાંમાં ઈન્ફેક્શન થયું છે. હાલ, તબીબો દ્વારા તેમને 15 દિવસ આરામ કરવાની સલાહ આપવામાં આવી છે. ભીડભાડથી દૂર રહેવાની પણ સૂચના આપવામાં આવી છે. તેઓ હોસ્પિટલમાં દાખલ હોવાની એક તસવીર પણ સામે આવી છે.
આ અંગે ખુદ ઈન્દ્રભારતી બાપુએ ઓડિયો સંદેશ જાહેર કર્યો છે. જેમાં તેમણે કહ્યું કે, 'કુંભમેળામાં સતત ધૂળ ઉડતાં ફેફસાંમાં ઈન્ફેક્શન થયું છે. સાત દિવસ ICUમાં રાખ્યા હતા. ડૉક્ટરે કહ્યું છે કે, 15 દિવસ સતત આરામ કરવાનો અને કોઈને મળવાનું નહીં.'
જણાવી દઈએ કે, ઈન્દ્રભારતી બાપુ જૂનાગઢના ભારતી આશ્રમના મહંત છે. જેઓ પોતાના નિવેદનોના કાણે સતત ચર્ચમાં રહે છે. તેઓ સનાતન માટે શાબ્દિક લડવૈયા ગણાય છે. તેઓ થોડા દિવસ અગાઉ મહાકુંભ મેળામાં ગયા હતા ત્યારબાદ બીમાર પડ્યા હતા.