સોરઠ દેશ સોહામણો : નાળિયેરના ઉત્પાદનમાં જૂનાગઢ જિલ્લો રાજ્યમાં નંબર 1, દર વર્ષે 23 કરોડ નાળિયેરનું ઉત્પાદન
Coconut Production : ગુજરાતના 1600 કિલોમીટર સાગરકાંઠા વિસ્તારમાં 45.61 લાખ હેકટરમાં ખેતી થાય છે.એમાંથી 26,000 હેકટર જમીનમાં તો નાળિયેરીનું વાવેતર થાય છે. આ જમીનમાંથી એકલા ગીરસોમનાથ અને જૂનાગઢ જિલ્લાનો બન્નેનો મળીને કુલ હિસ્સો 16,300 હેકટર થવા જાય છે. એક હેકટર જમીનમાં 13,000 નાળિયેરનું ઉત્પાદન સરેરાશ આવે છે. આ રોકડિયા પાકને હાલ સરકારે નાળિયેરીની બીટી જાતને વેગ આપવા માટે સારા પ્રોત્સાહન આપવાનું ચાલુ કરતા જુનાગઢ જિલ્લામાં 138 હેકટરમાં વાવેતરનો વધારો થયો છે.
જૂનાગઢ જિલ્લામાં કુલ નાળિયેરીનું વાવેતર 6,600 હેકટર છે. જયારે ગીર સોમનાથ જિલ્લામાં હાલ 9,700 હેકટર જમીનમાં નાળિયેરીના વાવેતર થયા છે. એમાં એકલા વેરાવળ પંથકમાં જ 6,500 હેકટર જમીનમાં વાવેતર છે.બાગાયતવિભાગ ગીર સોમનાથ જિલ્લામાં એક હજાર હેકટરમાં વાવેતર વધારવા સક્રિય બન્યો છે.
ગુજરાતમાં દર વર્ષે 23 કરોડ નાળિયેરનું ઉત્પાદન થાય છે. એમાંથી એકલા સોરઠમાં 17.42 કરોડ નાળિયેર રાજય અને આંતરરાજયમાં જાય છે. જૂનાગઢ જિલ્લા ખેતીવાડી અધિકારી વિશાલ હદવાણીના જણાવ્યા મુજબ જૂનાગઢ જિલ્લામાં ધાન્ય પાકો ઉપરાંત બાગાયત પાકો તરફ ખેડૂતોને આકર્ષણ વધ્યું છે. વંથલીમાં ચીકુંનું મોટું ઉત્પાદન છે તો સાથોસાથ જૂનાગઢ જિલ્લામાં નાળિયેરીને પણ મહત્વ આપવામાં આવે છે. ગીરસોમનાથ જિલ્લા બાગાયત અધિકારી અવનીબહેન દવેરા કહે છે કે ગીર સોમનાથમાં આંબાનું વાવેતર 18450 હેકટર છે. સાથોસાથ નાળિયેરીનું 9,700 હેકટરમાં વાવતેર થાય છે. હાલ ખેડૂતોમાં લોટણ, દેશી, ટીડી, હાઈબ્રિડ ડીટી ,ફોસેનોબા, બોના જેવી નાળિયેરીના પણ વાવતેર થાય છે.
આ બે જિલ્લાઓ ઉપરાંત ભાવનગર જિલ્લાના મહુવા અને દરિયાઈ વિસ્તારો, વલસાડ, કચ્છ, દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પણ વાવતેર થાય છે. સરકારે નાળિયેરના વાવેતરને પ્રોત્સાહન આપવા માટે વાવેતર ઈન્સેટિવ્સ આપવાનું પણ ચાલુ કર્યું છે. અગાઉ એક હેકટરે રૂ. 11,700 નું પ્રોત્સાહન મળતું હતું. હવે સરકારે ચાર હેકટર સુધી આવુ પ્રોત્સાહન આપવાનું ચાલુ કર્યું છે એમાં પ્રતિ હેકટર રૂ. 37,500 લેખે કુલ મળીને રૂ. 1.50 લાખ અપાય છે. આ યોજના બીટી નાળિયેરી માટે છે.
સૌરાષ્ટ્રના માર્કેટ યાર્ડોમાં ભલે વેચાણ વ્યવસ્થા અલગ ન હોય પણ ખેડૂતોએ સ્વતંત્ર વેચાણ વ્યવસ્થા ઉભી કરી લીધી છે. માંગરોળમાં વાડીઓમાંથી જ સીધું વેચાણ થાય છે અને ટ્રકો ભરાઈને છેક મુંબઈ સુધી પહોંચી જાય છે. તો ચોરવાડ પાસેના કુકસવાડા તથા ગડુમા લીલા નાળિયેરોનો મોટો કારોબાર થાય છે. અન્યા રાજ્યોને ટ્રાન્સપોર્ટેશન ખર્ચ વધી જતો હોવાથી સાઉથના લીલા નાળિયેર ખરીદવા પોષાતા નથી.
આથી સૌરાષ્ટ્રના લીલા નાળિયેરના વાર્ષિક વેચાણનો આંકડો કરોડોએ આંબી જાય છે. એમાં યે ગડુથી ચોરવાડ જતાં કાણેક સુધી એ પછી ચોરવાડથી માંગરોળ જતા અને કેશોદ તરફથી માંગરોળ જતા વખતે માનખેત્રાથી માંગરોળ સુધીના વિસ્તારમાં કોઈ જાય તો એને દ.ભારતમાં પહોંચી ગયાનો અહેસાસ થાય છે. આવી જ રીતે માધવપુરથી પોરબંદરના પટ્ટામાં પણ અનેક જગ્યાએ મનમોહક નાળિયેરીઓ મન મોહી લે છે.