જૂનાગઢ ગાદીનો વિવાદ: હકાલપટ્ટી થતાં મહેશગિરીએ જાહેર કર્યા વીડિયો, હરિગિરી પર શિવરાત્રિના મેળામાં મુજરાનો આક્ષેપ
Junagadh News: જૂનાગઢના ગિરનાર ૫ર્વત પર આવેલા અંબાજી મંદિરના મહંત તનસુખગિરી બ્રહ્મલીન થતાં જ ગાદીને લઈને વિવાદ સર્જાયો છે. ત્યારે હવે ગાદીનો વિવાદ મુજરા સુધી પહોંચ્યો છે. જણાવી દઈએ કે, થોડા દિવસ પહેલા જ કુંભમેળામાં પ્રયાગરાજથી જૂના અખાડા પરિષદે મોટો નિર્ણય લેતા મહેશગિરીને જૂના અખાડા પરિષદમાંથી હટાવાયા હતા. આ સાથે ભૂતનાથ મહાદેવ મંદિરના મહંત મહેશગિરીની હકાલપટ્ટી કરાઈ છે. મહાદેવગિરી બાપુ, કનૈયાગિરી બાપુ અને અમૃતગિરી બાપુની પણ હકાલપટ્ટી કરવામાં આવી છે. ત્યારે હવે હકાલપટ્ટી થયા બાદ મહેશગિરીએ પ્રેસ કોન્ફરન્સ કરીને હરિગિરી પર અનેક ગંભીર આક્ષેપ કર્યા છે.
સાધુઓના વિવાદે અનેક રહસ્યો ખુલ્લા પાડ્યા છે. રાજકારણીઓને પણ શરમાવે તેવા કૃત્યો અને કાંડ સામે આવતા વધુ એકવાર ધર્મને લાંછન લાગે તેવી ઘટના બની રહી છે. ત્યારે હવે મહેશગિરીએ હરિગિરી પર વેશ્યાવૃત્તિ, નકલી સાધુઓ, અખાડાઓમાં દારૂ પીવાતો હોવાના અને મુજરા થતા હોવાના આરોપ લગાવ્યા છે. આ સાથે શિવરાત્રીના મેળામાં અસભ્ય પ્રકારની પવૃત્તિ થતી હોવાનો પણ આરોપ લગાવ્યો છે. જેના મહેશગિરીએ વીડિયો પણ જાહેર કર્યા છે. મુજરા અને સાધુ લથડિયા ખાતા હોવાનો પણ વીડિયો જાહેર કર્યો છે. મુજરાનું આયોજન હરિગિરીના ચેલા જ કરતા હોવાની વાત પણ કરી છે.
મહેશગિરીએ હરિગિરી પર આક્ષેપ કરતાં કહ્યું કે, 'જૂના અખાડાના કારણે સાધુ-સંતોની ગરિમા ખરડાઈ રહી છે અને તેના માટે જવાબદાર માત્ર ને માત્ર હરિગિરી છે. જ્યાં સુધી હરિગિરી ભવનાથ અને ગિરનારમાંથી નહીં જાય ત્યાં સુધી હું શાંતિથી નહીં બેસું.'
આ સાથે મહેશગિરીએ ગિરીશ કોટેચા પર પણ પ્રહાર કર્યા હતા. તેમણે ગિરીશ કોટેચા અને તેમના પરિવાર દ્વારા મનપા ચૂંટણી માટે ટિકિટની માંગણી પર પણ નિશાન સાધ્યું હતું. તેમણે 'ગિરીયો અને હરિયો' બંનેને ભ્રષ્ટાચારી ગણાવ્યા હતા અને ભાજપને પણ લોહાણા જ્ઞાતિમાંથી અન્ય સારા વ્યક્તિને ટિકિટ આપવાની અપીલ કરી હતી. તેમણે કહ્યું હતું કે, 'આવા ભ્રષ્ટાચારીઓના કારણે જૂનાગઢ બદનામ થઈ રહ્યું છે.'
જૂનાગઢમાં ગાદીનો વિવાદ ચરમસીમા પર પહોંચી ગયો છે. હકાલપટ્ટી થયા બાદ મહેશગિરીએ હરિગિરી પર અનેક આકરા પ્રહારો કર્યા છે. તેમણે હરિગિરી પર વેશ્યાવૃત્તિ, નકલી સાધુઓ, દારૂ અને મુજરા થતા હોવાનો આરોપ લગાવ્યો છે. એટલું જ નહીં, તેમણે શિવરાત્રીના મેળામાં અસભ્ય પ્રકારની પ્રવૃત્તિ થતી હોવાનો પણ આરોપ લગાવ્યો છે.