Get The App

સ્ટેટેસ્ટિકસ વિષયમાં એમએસસી કરનારા ૪૦માંથી ૩૨ વિદ્યાર્થીઓનું પ્લેસમેન્ટ

Updated: Aug 28th, 2022


Google NewsGoogle News
સ્ટેટેસ્ટિકસ વિષયમાં  એમએસસી કરનારા ૪૦માંથી ૩૨ વિદ્યાર્થીઓનું પ્લેસમેન્ટ 1 - image

વડોદરાઃ એમ.એસ.યુનિવર્સિટીની સાયન્સ ફેકલ્ટીમાં બીએસસીમાં  પ્રવેશ લેનારા વિદ્યાર્થીઓ વિષય પસંદગીમાં જે વિષયોને  બહુ પ્રાધાન્ય નથી આપતા તેમાં સ્ટેટેસ્ટિકસ નો પણ સમાવેશ થાય છે.આ વર્ષે પણ એફવાયબીએસસીના એડમિશનના પહેલા રાઉન્ડ બાદ સ્ટેટેસ્ટિકસની કેટલીક બેઠકો ખાલી રહી છે.

બીજી તરફ જોબ માર્કેટમાં સ્ટેટેસ્ટિકસનો અને ખાસ કરીને એમએસસી વિથ સ્ટેટેસ્ટિકસનો અભ્યાસ કરનારા એમ.એસ.યુનિવર્સિટીના વિદ્યાર્થીઓની ડીમાન્ડ વધી રહી છે.આ વર્ષે એમએસસી સ્ટેટેસ્ટિકસના ૪૦માંથી ૩૨ વિદ્યાર્થીઓને પ્લેસમેન્ટ મળ્યુ છે.આ પૈકી ૨૪ વિદ્યાર્થીઓ એવા છે જેમને ૭ લાખથી ૬.૭૫ લાખ રુપિયા સુધીનુ પગાર પેકેજ ઓફર થયુ છે.માર્કેટ ડેટા એનાલિસિસ કરતી ચાર કંપનીઓએ વિદ્યાર્થીઓના ઈન્ટરવ્યૂ  કર્યા હતા અને તેમને નોકરી ઓફર કરી છે.આમ ૨૦૨૧-૨૨ની બેચના એમએસસી, સ્ટેટેસ્ટિકસના મોટાભાગના વિદ્યાર્થીઓને નોકરી મળી ગઈ છે.સાયન્સની સૌથી હોટ બ્રાન્ચ ગણાતા કેમેસ્ટ્રી અને ફિઝિક્સ વિષયના વિદ્યાર્થીઓના પ્લેસમેન્ટની ટકાવારી પણ આટલી નથી.

ફેકલ્ટીના સૂત્રોનુ કહેવુ છે કે, ઈન્ફર્મેશન ટેકનોલોજીની વધતી બોલબાલા વચ્ચે હવે કોમ્પ્યુટરાઈઝેશન વધ્યુ છે અને ડેટા એનાલિસિસ કરનારા જાણકારોની માંગ વધી છે.એમએસસી સ્ટેટેસ્ટિકસના કોર્સને સત્તાધીશોએ સતત અપડેટ કર્યો છે અને તેમાં હવે મશિન લર્નિંગ તેમજ પાયથન લેગ્વેજ જેવા આઈટીને લગતા વિષયોનો પણ ઉમેરો કર્યો છે.આમ  સ્ટેટેસ્ટિકસના વિદ્યાર્થીઓ ડેટા એનાલિસસ કરવાની સાથે સાથે આઈટી ક્ષેત્રનુ નોલેજ પણ મેળવે છે.જેના કારણે કંપનીઓ એમ.એસ.યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ તરફ આકર્ષાઈ રહી છે.વધુ એક કારણ એ પણ છે કે, કેમેસ્ટ્રી જેવા સાયન્સના વિષયોમાં બીએસસી અને એમએસસીના કોર્સ રાજ્યની ઘણી કોલેજો અને યુનિવર્સિટીઓમાં ચાલે છે પણ એમએસસી, સ્ટેટેસ્ટિકસનો કોર્સ માત્ર ચાર કે પાંચ યુનિવર્સિટીમાં જ ચલાવાય છે.



Google NewsGoogle News