જામનગરમાં મંજુરી વિના ગેરકાયદે ખડકી દેવાયેલી 12 દુકાન ઉપર પાલિકાનું બુલડોઝર ફર્યું
Jamnagar Demolition : જામનગરમાં જૂની ગેલેક્સી ટોકીઝ નજીકના વિસ્તારમાં એક આસામી દ્વારા મહાનગરપાલિકાની કોઈ પણ પ્રકારની મંજૂરી વિના ગેરકાયદે રીતે ખડકી દેવામાં આવેલી 12 જેટલી દુકાનો પર બુલડોઝર ફેરવી દઈ ડીમલેશન કરવામાં આવ્યું હતું, ત્યારે ભારે પોલીસ બન્દોબસ્ત રાખવામાં આવ્યો હતો. બાંધકામ કરનાર દ્વારા છેક સુપ્રીમ કોર્ટ સુધી લડત ચલાવવામાં આવી હતી અને ત્યાં તેની હાર થઈ જતાં આખરે મહાનગરપાલિકાએ આજે 5,550 ચોરસ ફૂટ જગ્યાને ખુલ્લી કરાવી છે.
જામનગરના ગેલેક્સી સિનેમા નજીક મનસુખભાઈ નિમાવત કે જેની એક ટ્રસ્ટ હસ્તકની આશરે 5,550 ચોરસ ફૂટ જેટલી જગ્યા આવેલી છે, જે જગ્યા ઉપર નગરના એક બિલ્ડર દ્વારા પરવાનગી વગર બાંધકામ કરવામાં આવ્યું હતું. જેની મંજૂરી ન હોવા છતાં 2020 ની સાલમાં આ સ્થળે 15 જેટલી દુકાનો ખડકી દેવામાં આવી હતી, અને તે અંગેની ફરિયાદ થયા બાદ મહાનગરપાલિકાએ મંજૂરી વગરની પંદર દુકાનોનું 2020 ની સાલમાં બાંધકામ તોડી પાડ્યું હતું.
ત્યારબાદ દ્વારા આ જ સ્થળે ફરીથી બાંધકામ શરૂ કરાયું હતું, અને નવી 12 દુકાનો ખડકી દેવામાં આવી હતી. જે મામલે પણ કાનૂની લડત ચાલી હતી, અને જામનગરની અદાલત, ઉપરાંત હાઇકોર્ટ અને છેક સુપ્રીમ કોર્ટ સુધી લડત ચાલી હતી. અને બિલ્ડરની આખરે તેમાં હાર થઈ હતી.
જેને મહાનગરપાલિકાએ ઉપરોક્ત જગ્યા ખુલ્લી કરવા માટેનો આદેશ કરીને નોટિસ આપી હતી. તેની મુદત પૂરી થઈ ગઈ હોવા છતાં બાંધકામ દૂર કર્યું ન હોવાથી આજે મહાનગર પાલિકા દ્વારા ભારે પોલીસ બંદોબસ્તની સાથે બાંધકામને દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જામનગર મહાનગર મહા નગરપાલિકાના ડીએમસી ઝાલા ખુદ હાજર રહ્યા હતા, ઉપરાંત કંટ્રોલિંગ અધિકારી મુકેશ વરણવા, એસ્ટેટ અધિકારી નીતિન દીક્ષિત, દબાણ હટાવ અધિકારી સુનિલ ભાનુશાળી યુવરાજસિંહ ઝાલા ટીપીઓ શાખાના ઊર્મિલ દેસાઈ સહિતની મોટી ટીમ સ્થળ પર હાજર રહી હતી.
એક હિટાચી મશીન, ત્રણ જેસીબી મશીન, ટ્રેકટર વગેરે મશીનરીની મદદથી 25 જેટલા કર્મચારીઓને સાથે રાખીને બાંધકામ દૂર કરવાનું શરૂ કરાયું હતું, અને ગેરકાયદે ઉભી કરેલી 12 દુકાનોનું બાંધકામ તોડી પાડવામાં આવ્યું છે. આ વેળાએ મોટી સંખ્યામાં લોકોના ટોળા પણ એકત્ર થયા હતા.