Get The App

'જીયાદે' જીગર બનીને કચ્છની યુવતીને ફસાવી, દુષ્કર્મની ફરિયાદ બાદ આરોપીની ધરપકડ

Updated: Oct 17th, 2024


Google NewsGoogle News
'જીયાદે' જીગર બનીને કચ્છની યુવતીને ફસાવી, દુષ્કર્મની ફરિયાદ બાદ આરોપીની ધરપકડ 1 - image


Love Jihad Case in Kutch : દેશ અને ગુજરાતમાં વારંવાર લવ જેહાદના કિસ્સા સામે આવી રહ્યા છે. ત્યારે કચ્છના માંડવીના ગોધરા ગામે લવ જેહાદનો કેસ નોંધાયો છે. જેમાં એક પૂણેના મુસ્લિમ યુવકે મૂળ કચ્છની હિન્દુ નામની આઈડી બનાવીને હિન્દુ યુવતીને પ્રેમજાળમાં ફસાવી હતી. ત્યારબાદ બે વખત શારીરિક સંબંધ બાંધ્યા હતા અને બીભત્સ ફોટા વાયરલ કરીને સગાઈ તોડાવી નાખી હતી. ત્યારે હવે આ મામલે આરોપી સામે દુષ્કર્મ આચર્યું હોવાની ફરિયાદ નોંધાઈ છે. ફરિયાદ નોંધાયા બાદ પોલીસે ગણતરીની કલાકોમાં આરોપીની ધરપકડ કરી લીધી છે. 

પોલીસના જણાવ્યા અનુસાર, યુવતીએ લગ્ન કરવા કરેલાં આગ્રહના પગલે યુવકે પોતે મુસ્લિમ હોવાનું વાત જણાવી યુવતીને ધર્મ પરિવર્તન કરાવી લેવા દબાણ કર્યું હતું. પરંતુ, યુવતીએ તેની સાથેના સંબંધનો અંત આણી દીધો હતો. તેમ છતાં, યુવક સતત તેને હેરાન કરતો હતો.

ગેમમાં જીયાદે જીગર નામની આઈડીની મદદથી યુવતીને ફસાવી

મળતી પ્રાથમિક માહિતી અનુસાર, મૂળ માંડવી તાલુકાના ગોધરા ગામનો એક પરિવાર વર્ષોથી મુંબઈ સ્થાયી થયો હતો. ત્રણેક વર્ષ અગાઉ પરિવારની પુત્રી (જ્યારે કિશોરવયની હતી) 'ફ્રી ફાયર મેક્સ' નામની ઓનલાઈન ગેમ રમતાં રમતાં જીગર નામની આઈડી ધરાવતાં અન્ય એક પ્લેયરના કોન્ટેક્ટમાં આવી હતી. આ યુવતી ઘણીવાર જીગર નામના પ્લેયર સાથે મળીને ગેમ રમતી હતી. બાદમાં બંને વચ્ચે સ્નેપચેટ પર ચેટિંગ શરૂ થયું હતું. જીગર પોતે મંદિરમાં દર્શન કરતો હોય તેવા ફોટો અવારનવાર યુવતીને મોકલતો હતો. ઓનલાઈન માધ્યમથી સંપર્ક બાદ વાસ્તવિક મુલાકાત કરી અને પછી પ્રેમ સંબંધમાં શરૂ થયો હતો.

યુવતીએ લગ્ન કરી લેવાની વાત કરતા સમગ્ર ભાંડો ફૂટ્યો

મુંબઈમાં બે વખત જીગરે યુવતી એકલી હોય ત્યારે તેના ઘરે જઈને તેની મરજીથી શારીરિક સંબંધ બાંધ્યો હતો. બાદમાં યુવતીએ તેને લગ્ન કરી લેવા માટે આગ્રહ કરવાનું શરૂ કર્યું હતું. ત્યારે, યુવકે ભાંડો ફોડ્યો હતો કે પોતે જીગર નહીં પણ જીયાદ ઊર્ફે સમીર લતીફ શેખ (રહે. કાલથણ, પૂણે, મહારાષ્ટ્ર) છે. અપરિણીત જીયાદે યુવતીને નિકાહ માટે ધર્મ પરિવર્તન કરી લેવા જણાવેલું પરંતુ યુવતીએ તેની સાથેના બ્રેક અપ કરી લીધું હતું.

યુવતીએ નંબર બ્લોક કર્યો તો જીયાદે ફોટો વાયરલ કર્યા

યુવતીએ સંબંધ કાપી નાખ્યા બાદ પણ જીયાદે તેની સાથે મનમેળ કરવા સતત પ્રયાસ કર્યો હતો. તેનાથી કંટાળીને યુવતીનો પરિવાર બે વર્ષ અગાઉ વતનમાં રહેવા આવી ગયો હતો. અહીં આવીને યુવતીની સમાજના એક યુવક સાથે સગાઈ કરી હતી. સગાઈ બાદ યુવતીએ જીયાદનો નંબર બ્લોક કરી દેતાં જીયાદ ઉશ્કેરાયો હતો અને તેણે યુવતીના ભાઈના નામની ફેક આઈડી બનાવીને અભદ્ર ફોટોગ્રાફ મોકલી ઈન્સ્ટાગ્રામ પર પણ વાયરલ કર્યાં હતાં. આ વાયરલ ફોટો અંગે જાણ થતાં યુવતીની સગાઈ તૂટી ગઈ હતી. જીયાદથી કંટાળીને યુવતી તેની વિરુદ્ધ ફરિયાદ નોંધાવવા ભુજમાં બોર્ડર રેન્જ સાયબર ક્રાઈમ પોલીસ મથકે પહોંચી હતી. પોલીસ ઈન્સ્પેક્ટર એલ.પી. બોડાણાએ સમગ્ર ઘટનાક્રમના આધારે વિવિધ કલમો તળે ફરિયાદ દાખલ કરી છે.

હિન્દુ નામ ધારણ કરીને યુવતી સાથે દુષ્કર્મ

મળતી માહિતી અનુસાર, મુસ્લિમ યુવકે હિન્દુ નામ ધારણ કરીને યુવતી સાથે દુષ્કર્મ આચર્યું હોવાની ફરિયાદ નોંધાઈ છે. આરોપીએ યુવતી સાથે બે વખત સંબંધ બાંધ્યા હતા અને કઢંગી હાલતમાં યુવતીના ફોટા પાડીને યુવતીને બ્લેકમેઈલ કરી હતી. આરોપીએ યુવતીના બીભત્સ ફોટા યુવતીના ભાઈને મોકલીને યુવતીને બદનામ કરવાનો કારસો રચ્યો હતો. આ સાથે દુષ્કર્મ બાદ યુવતીને મુસ્લિમ ધર્મ અંગિકાર કરવા માટે દબાણ કરાયું હોવાનો પણ ફરિયાદમાં ઉલ્લેખ કરાયો છે. આરોપીએ યુવતીના બીભત્સ ફોટા પાડીને બ્લેઈકમેઈલ કરી હોવાનો ઉલ્લેખ ફરિયાદમાં કરાયો છે. 

ગંભીર કલમો હેઠળ ગુનો દાખલ, આરોપીની ધરપકડ

ત્રણેક વર્ષ અગાઉ જીયાદે જીગર નામ ધારણ કરીને પોતાની ઓળખ છૂપાવી મુંબઈમાં યુવતી સાથે શારીરિક સંબંધ બાંધ્યો હતો ત્યારે તે કિશોર વયની હતી. જેથી પોલીસે જીયાદ વિરુદ્ધ ગુજરાત ધર્મ સ્વાતંત્ર્ય સુધારા અધિનિયમ 2021ની કલમ 4 અને પોક્સો એક્ટની કલમ 4, 6 અને 10 હેઠળ ગુનો નોંધ્યો છે. એ જ રીતે, ઈપીકો કલમ 376 (2) (એન), 506 અને યુવતી અનુસૂચિત જાતિની હોવાથી એટ્રોસીટી એક્ટની કલમો લગાવાઈ છે. આ ઉપરાંત, યુવકે ફેક આઈડી બનાવી સોશિયલ મીડિયા પર અભદ્ર ફોટો વાયરલ કરતાં આઈટી એક્ટની કલમ 66 સી, 66 ડી, 66 ઈ અને 67 પણ લગાડી છે. પોલીસની એક ટીમ અન્ય ગુનાની તપાસ માટે મુંબઈ હતી, જેથી તેમને આ બનાવની જાણ કરતાં પોલીસે આરોપીને રાઉન્ડ અપ કરી લીધો હતો. પોલીસે આરોપીને દબોચીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

લવ જેહાદ અંગે હર્ષ સંઘવીએ હાલમાં જ આપ્યું હતું નિવેદન

ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીનું મોટું નિવેદન સામે આવ્યું છે. ભાવનગરમાં એક કાર્યક્રમ દરમિયાન હર્ષ સંઘવી એક કાર્યક્રમને સંબોધી રહ્યા હતા. તેમણે કહ્યું હતું કે, "પ્રેમ કરવાનો હક બધાને છે પરંતુ પ્રેમના પવિત્ર સંબંધને બદનામ કરનાર લોકોને સબક શીખવાડવાની જવાબદારી પોલીસની છે. કોઈ સલીમ સુરેશ બનીને કે સુરેશ સલીમ બનીને મારા રાજ્યની ભોળી દીકરીને ફસાવે તો એવી દીકરીને ન્યાય અપાવવાની જવાબદારી દીકરીના ભાઈ તરીકે દીકરીની બહેન તરીકે ગુજરાત પોલીસની છે."


Google NewsGoogle News