જિજ્ઞેશ મેવાણીએ CM બાદ હવે ગૃહ મંત્રીને લખ્યો પત્ર, કોંગ્રેસ પણ આક્રમક મૂડમાં
Jignesh Mevani- Rajkumar Pandian Controversy: વડગામના કોંગ્રેસ ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણી અને આઇપીએસ રાજકુમાર પાંડિયનનો વિવાદ શાંત પડવાનું નામ લઇ રહ્યો નથી. બે દિવસ અગાઉ મુખ્યમંત્રીને પત્ર લખીને રજૂઆત કર્યા બાદ હવે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને પત્ર લખ્યો છે. જિજ્ઞેશ મેવાણી કહી ચૂક્યા છે કે, 'બાબા સિદ્દિકીની જેમ, જો મારી, મારા પરિવારના સભ્યો અથવા મારી ટીમના કોઈ સાથીની હત્યા થાય, તો તેના માટે ફક્ત IPS રાજકુમાર પાંડિયન જ જવાબદાર રહેશે. આ સાથે જ મુખ્યમંત્રીને પત્ર લખી સુરક્ષાની માગ કરું છું.’
ગત અઠવાડિયે દલિતોના પ્રશ્ન મુદ્દે રજૂઆત કરવા ગયેલા જિજ્ઞેશ મેવાણીને મોબાઇલ ફોન બહાર મૂકવાનું કહેવામાં આવતાં વિવાદની શરૂઆત થઇ હતી. આ મામલે જિજ્ઞેશ મેવાણીએ મુખ્યમંત્રીને પત્ર લખ્યો હતો, ત્યારબાદ હવે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને પત્ર લખ્યો છે. જેમાં તેમણે લખ્યું છે ‘જ્યારે હું ગુજરાતના દલિતો વતી અને તેમને ફાળવવામાં આવેલી જમીનના ગેરકાયદે દબાણ મામલે તેમની તરફેણમાં રજૂઆત કરવા ગયો હતો.’
આ પણ વાંચો: ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણી અને IPS પાંડિયન વચ્ચે તુ-તુ-મૈં-મૈં... પોલીસ ભવનમાં જ બબાલ
આ અંગે મેવાણી પત્રમાં કહી ચૂક્યા છે કે, ‘આઇપીએસ રાજકુમાર પાંડિયન, ADGP SC/ST (અમદાવાદ પોલીસ) એ અમારી સાથે અયોગ્ય અને અપમાનજનક વર્તન કર્યું હતું. તેમણે પ્રોટોકોલનું ઉલ્લંઘન કરી મારી સાથે અણછાજતું વર્તન કર્યું હતું. મોબાઈલ ફોન ઓફિસની બહાર મૂકીને આવો, તમે ટી શર્ટ કેમ પહેરી છે? આવા સવાલ કરીને અપમાનિત કર્યા હતાં. દલિતોના અવાજ દબાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.'
આ સિવાય પત્રમાં એવો પણ ઉલ્લેખ છે કે, ‘જમીનના કાગળિયા હોવા છતાં દલિતોને જમીન ફાળવવામાં આવી નથી. ભૌતિક કબજો કાનૂની માલિકોને સુનિશ્ચિત કરવાનો બાકી છે. 15મી ઓગસ્ટ 2024 ના રોજ, સ્વતંત્રતા દિવસ નિમિત્તે, મેં આવા કબજાને સુનિશ્વિત કરવા માટે કોલ કર્યો હતો, જેથી મહેસૂલ વિભાગે સંજ્ઞાન લીધું હતું અને દલિતોને ફાળવવામાં આવેલી જમીન પર ગેરકાયદેસર દબાણ કર્યું હોવાનું પંચનામું કર્યું હતું, ત્યારથી મેં એસપીને વારંવાર વિનંતી કરી હતી.’
આ પણ વાંચો: 'મારું એનકાઉન્ટર કે હત્યા થાય તો IPS પાંડિયન જવાબદાર', જિજ્ઞેશ મેવાણીએ કેમ વ્યક્ત કર્યો ભય? જાણો સમગ્ર વિવાદ
મેવાણીના મતે, ‘મેં કાયદાકીય પગલાં લેવા માટે પણ રેન્જ આઇજી ચિરાગ કોરાડિયાનો સંપર્ક કર્યો હતો, પરંતુ તે બાબતે કોઇ નહી કાર્યવાહી ન થતાં મેં એડિશનલ ડીજીપી (SC/ST) રાજકુમાર પાંડિયનને મળવાનું નક્કી કર્યું, તેમની અને તેમના અધિકારીઓ દ્વારા બેદરકારી અને ઉદાસીન વલણ દાખવવામાં આવી રહ્યું છે તે અંગે જાણ કરવા તેમને મળ્યો હતો.’
કોંગ્રેસ આક્રમક મૂડમાં, દલિતોમાં આક્રોશ
આજે 23મી ઓક્ટોબરે કોંગ્રેસના નેતા જિગ્નેશ મેવાણી સહિત કોંગ્રેસના નેતાઓએ ગાંધીનગર ખાતે ડીજી ઓફિસની બહાર દલિતો સંગઠનો રાજકુમાર પાંડિયન સામે સૂત્રોચ્ચાર સાથે દેખાવ કર્યો હતો. આ દરમિયાન એવી માગ કરાઈ હતી કે, ચૂંટાયેલા જનપ્રતિનિધિ સાથે અણછાજતું વર્તન કરનારાં રાજકુમાર પાડિયનને સસ્પેન્ડ કરો.
મહીસાગરના દલિતોને આઇપીએસ અધિકારી રાજકુમાર પાંડિયનની ગેર વર્તણૂકની વિરુદ્ધમાં યોજવામાં આવેલા દેખાવોમાં અટકાવી લેવામાં આવ્યા હતા. જેના લીધે દલિતોમાં આક્રોશ વધી રહ્યો છે. કહેવામાં આવ્યું છે કે જેટલી અટકાયત કરશો, એટલો મોટો કાર્યક્રમ ભવિષ્યમાં કરવામાં આવશે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખી કરી હતી રજૂઆત
શું હતો સમગ્ર મામલો?
દલિતોના પ્રશ્ન મુદ્દે રજૂઆત કરવા ગયેલાં ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણી અને આઇપીએસ રાજકુમાર પાંડિયન વચ્ચે તુ-તુ-મૈં-મૈં થઇ હતી. મોબાઇલ ફોન બહાર મૂકીને આવો તેમ કહેતાં પાંડિયન અને મેવાણી વચ્ચે ઉગ્ર બોલાચાલી થઇ હતી. આ મામલે જિજ્ઞેશ મેવાણીએ વિધાનસભા અઘ્યક્ષ શંકર ચૈાધરીને રજૂઆત કરી કે, ધારાસભ્ય સાથે ગેરવર્ણતૂક કરનારાં ઉચ્ચ પોલીસ અધિકારી વિરુદ્ધ વિશેષાધિકાર ભંગ બદલ કાર્યવાહી કરો.