'મારું સ્વાસ્થ્ય બગડ્યું હોવાથી જવું પડશે...', ચાલુ કથાએ જીગ્નેશ દાદાની તબિયત લથડતા હોસ્પિટલ લઈ જવાયા
Jignesh Dada's health deteriorated : ગુજરાતના આણંદ ખાતે ચાલુ કથામાં જાણિતા કથાકાર જીગ્નેશ દાદાની તબિયત લથડી હોવાનું સામે આવ્યું છે. કથામાં જીગ્નેશ દાદાએ કહ્યું કે, 'મારું સ્વાસ્થ્ય બગડ્યું હોવાથી જવું પડશે...' આ પછી તેમને તાત્કાલિક કથા મંડપમાંથી સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા.
કથાકાર જીગ્નેશ દાદાની તબિયત લથડી
આણંદ જિલ્લાના લાંભવેલ રોડ પર જીગ્નેશ દાદાની કથા ચાલી રહી હતી. આ દરમિયાન જીગ્નેશ દાદાને અચાનક પરસેવો વળી ગયો અને તબિયત બગડવા લાગી હતી. તેમણે કહ્યું કે, 'મારું સ્વાસ્થ્ય બગડ્યું હોવાથી જવું પડશે.' આ પછી તેમને તરત નજીકની હોસ્પિટલ લઈ જવાયા હતા. જો કે, હાલ તેમને સ્વસ્થ હોવાનું સામે આવ્યું છે.
મળતી માહિતી મુજબ, કોરોનાના સમયગાળામાં પણ કથાકાર જીગ્નેશ દાદાની તબિયત ખરાબ થઈ હોવાનું સામે આવ્યું હતું. જેમાં જીગ્નેશ દાદાનો ઓક્સિજન માસ્ક સાથેનો હોસ્પિટલનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો હતો. જેને લઈને તેમના ચાહકોમાં ચિંતા વર્તાઈ હતી.