દહેગામ તાલુકાનાં ઝાંકની નિવાસી શાળાના 105 વિદ્યાર્થીઓને વિઝન પ્રોબ્લેમ, એકાએક દેખાવાનું ઝાખું થઈ ગયું
Gandhinagar News : ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકામાં આવેલા ઝાક ગામની નિવાસી શાળામાં અભ્યાસ કરતા 100થી વધુ વિદ્યાર્થીઓને આજે (30 જૂન) એકાએક આંખે દેખાવાનો પ્રોબ્લેમ ઉભો થયો હતો. બાળકોના આંખમાં પાણી આવવા અને આંખ લાલ થઈ જવી ઉપરાંત ઝાંખુ દેખાવું અને ઓછું દેખાવાની તકલીફો ઊભી થઈ હતી. જેના લઈને તમામ વિદ્યાર્થીઓને સારવાર અર્થે ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જેમાં 12 જેટલાં વિદ્યાર્થીને ગંભીર અસર હોવાનું સામે આવ્યું છે. નિષ્ણાત ડૉક્ટરની ટીમ દ્વારા આ વિઝન પ્રોબ્લેમના વિચિત્ર રોગચાળા બાબતે ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી દેવામાં આવી છે.
100થી વધુ વિદ્યાર્થીઓની તબિયત લથડી
દહેગામ તાલુકામાં આવેલા ઝાંક ગામની જે.બી દેસાઈ વિદ્યામંદિર શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને આજે સોમવારે એકાએક આંખે ઓછું દેખાવાની તકલીફો થઈ હતી. ઘણાં વિદ્યાર્થીઓને ડબલ દેખાવાની તથા આંખમાંથી પાણી નીકળવાની ફરિયાદ પણ કરી હતી. આ બાબતે સ્થાનિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસર દ્વારા તપાસ કરવામાં આવતા આ કોઈ વિઝનરી વિચિત્ર રોગચાળો હોવાનું સામે આવ્યું હતું. જેના પગલે ગંભીર તકલીફો અને લક્ષણો જણાતા 12 વિદ્યાર્થીઓને ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
હોસ્પિટલમાં સારવાર વિભાગમાં બાળરોગ નિષ્ણાંત, ફિઝિશિયન તથા આંખ વિભાગના તબીબો દ્વારા આ તમામ બાળકીની સઘન સારવાર આપવામાં આવી હતી તથા રોગચાળાનું કારણ જાણવા માટે બ્લડ સહિતના સેમ્પલ પણ કલેક્ટ કરીને લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા હતા. આજે સાંજે તમામ બાળકોને ઓબ્ઝર્વેશનમાં રાખવા માટે તબક્કાવાર ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. તો બીજી બાજુ અહીંની હોસ્ટેલમાં પણ અન્ય વિદ્યાર્થીઓને જરૂર પડે આરોગ્યની સેવાઓ મળી રહે તે માટે મેડિકલ ટીમ સ્ટેન્ડ-ટુ રાખવામાં આવી છે.
આ પણ વાંચો: ગુજરાતના 132 તાલુકામાં મેઘમહેર, પોરબંદરમાં સૌથી વધુ 3 ઇંચ, જુઓ ક્યાં-કેટલો વરસાદ
આંખ લાલ થવી, પાણી પડવું, ઓછું દેખાવું, ઝાંખું દેખાવું, ડબલ દેખાવું જેવી તકલીફો એકાએક 100થી વધારે વિદ્યાર્થીઓને થવા પાછળનું મુખ્ય કારણ જાણવા માટે જિલ્લા આરોગ્યની ટીમો દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે. બપોરે આ વિદ્યાર્થીઓએ લાડુ, દાળ-ભાત, શાક સહિત જે ભોજન લીધું હતું, તેના ફૂડ સેમ્પલ પણ લેવામાં આવ્યા છે. આ ઉપરાંત શાળામાં તથા હોસ્ટેલ બિલ્ડિંગમાં પીવાના અને વપરાશના પાણીના પણ સેમ્પલ લઈને તેને ચેકિંગ માટે મોકલી આપવામાં આવ્યા છે. તેના રિપોર્ટ બાદ જ આ વિચિત્ર વિઝન રોગચાળો કયા કારણે ફેલાયો છે, તેનો ખ્યાલ આવી શકશે. હાલ તો તમામ 105 વિદ્યાર્થીઓ ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં ઓબઝર્વેશન હેઠળ છે.