ગુજરાતની 'નિર્ભયા'ના બે-બે ઓપરેશન બાદ પણ હાલત ગંભીર, બાળકીની હાલત જોઈ ડૉક્ટર ફફડ્યાં
Jhagadia GIDC : ઝઘડિયા જીઆઇડીસીમાં રેપ કેસની પીડિત 10 વર્ષની બાળકી હાલમાં બેભાન છે અને એસએસજી હોસ્પિટલના બાળરોગ વિભાગમાં મોત સામે જંગ લડી રહી છે. ગંભીર ઇજાના પગલે બે-બે ઓપરેશન બાદ પણ હજુ સ્થિતિમાં સુધારો થયો નથી.
અઢી કલાક ઓપરેશન ચાલ્યુ, બાળકીની સ્થિતિ જોઇને ડોક્ટરો હતપ્રત
ઝઘડિયા જીઆઇડીસીમાં આવેલી શ્રમજીવી વસાહતમાં 16 ડિસેમ્બરે 10 વર્ષની બાળકી ઉપર બળાત્કારની ઘટના બની હતી. પડોશમાં રહેતા જ ઝારખંડના આરોપી વિજય પાસવાને કુમળી બાળકીને પીંખી નાખી. બળાત્કાર પહેલા વિજય પાસવાને બાળકીના મોઢા ઉપર પથ્થરથી વાર કરીને લોહી લુહાણ કરી નાખી હતી. બળાત્કાર બાદ ગુપ્ત ભાગમાં સળીયો નાખીને ગૃપ્તાંગ અને પેટમાં ગંભીર ઇજાઓ પહોંચાડી છે.
આ પણ વાંચો: ભરૂચ બાળકી દુષ્કર્મ કેસ: આરોપીના ચાલવાના પણ ઠેકાણા ન રહ્યા, પોલીસે ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું
ગંભીર ઇજાગ્રસ્ત બાળકીના પેટનું પહેલા ભરૂચ ખાતે ઓપરેશન કરવામાં આવ્યુ હતું. જે બાદ તેને વઘુ સારવાર માટે વડોદરા ખાતે એસએસજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે.
અહી નિદાન દરમિયાન જાણવા મળ્યુ કે પેટના ઓપરેશનમા એક ટાંકો તૂટી જતા ઇન્ફેક્શન ફેલાયુ છે એટલે બુધવારે એસએસજી હોસ્પિટલના બાળરોગ વિભાગમાં બાળકીનું ફરીથી ઓપરેશન કરાયુ હતું. આ ઓપરેશન અઢી કલાક ચાલ્યુ હતું. તેમ છતાં બાળકીની હાલત અત્યંત ગંભીર છે. તે હજુ પણ હોશમાં આવી નથી.
શ્રમજીવી પરિવારની હોવાથી બાળકી શારીરિક રીતે નબળી છે. વજન ઓછુ છે. રોગપ્રતિકારક શક્તિ પણ ઓછી છે એટલે દવાઓની અસર થતી નથી. પહેલા હેવાન સાથે જંગ લડ્યા બાદ બાળકી હવે હોસ્પિટલમાં મોત સામે જંગ લડી રહી છે. બાળકીની સ્થિતિ જોઇને ડોક્ટરો પણ હતપ્રત છે. જંગલી જનાવર પણ ના કરે તેવી ખરાબ હાલત વિજય પાસવાને કરી છે.