આંકલાવમાં 2 સોનીની દુકાનમાંથી રૂ. 3.48 લાખના દાગીનાની ચોરી
- આસોદર ચોકડી પાસે શોપિંગ સેન્ટરમાં તસ્કરો ત્રાટક્યા
- મિલન પાર્ક સોસાયટીમાંથી 2 બાઈકની પણ ઉઠાંતરી : સીસીટીવી ફૂટેજના આધારે તપાસ
આંકલાવમાં રહેતા ઘનશ્યામભાઈ અંબાલાલ ઠક્કર આંકલાવની આસોદર ચોકડી ખાતે આશાપુરી શોપિંગ સેન્ટરમાં આવેલી પોતાની વીર જ્વેલર્સ નામની દુકાન બંધ કરી સોમવારે ઘરે ગયા હતા. ત્યારે રાત્રીના સમયે તસ્કરોએ તેમના દુકાનને નિશાન બનાવી હતી. તસ્કરોએ શટરના તાળાં તોડી તિજોરીમાંથી રૂ.૨.૮૩ લાખના ચાંદીના દાગીનાની ચોરી કરી ગયા હતા. તેમજ નજીકમાં આવેલી નંદકિશોર અંબાલાલ સોનીની દુકાનમાંથી રૂ. ૬૫ હજારના દાગીનાની ચોરી કરી લઈ ગયા હતા. તેમજ આસોદરની મિલન પાર્ક સોસાયટીમાંથી બે બાઈકની પણ ઉઠાંતરી કરી ગયા હોવાનું જાણવા મળ્યું હતું.
બીજા દિવસે ઘનશ્યામભાઈ દુકાને પહોંચતા સમગ્ર બનાવ અંગે જાણ થઈ હતી. બનાવને પગલે આસપાસના વેપારીઓ એકત્ર થયા હતા અને આંકલાવ પોલીસને જાણ કરી હતી. જેથી પોલીસ પણ ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધ્યો હતો. પોલીસે ફિંગર પ્રિન્ટ નિષ્ણાંત, ડોગ સ્ક્વોડની મદદ લઈ, દુકાનના સીસીટીવી ફૂટેજ તપાસી તસ્કરોને ઝડપી પાડવા કાર્યવાહી હાથ ધરી છે.