સુરેન્દ્રનગર-બોટાદની એસટી બસમાંથી રૂ. 4.28 લાખના ઘરેણાંની ચોરી
- બાળકના હાથમાં રાખેલું રોકડ અને ઘરેણાં ભરેલુ પર્સ કોઈ સેરવી ગયું
- પાળિયાદ ખાતે બસમાંથી નીચે ઉતરવાના સમયનો લાભ લઈ અજાણ્યો શખ્સે પર્સ ચોર્યું, પોલીસ ફરિયાદ નોંધાઈ
કચ્છ જિલ્લાના રાપર તાલુકાના સઈ ગામે રહેતા મનહરબા રાસુભા જાડેજાએ પાળિયાદ પોલીસ મથકમાં અજાણ્યા શખ્સ વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી કે, બોટાદના સરવા ગામ ખાતે તેમના મામાની દિકરીના લગ્ન હોય તેથી તેઓ તથા તેમનો ૧૨ વર્ષનો દિકરો વિરેન્દ્રસિંહ તથા તેમના મામાની દિકરી ગીતાબા જાડેજા સાથે ગત તા.૧૮ જાન્યુઆરીના રોજ સવારે ૮.૩૦ કલાકે સઈ ગામથી સમખીયાળી સુધી ખાનગી કારમાં અને સમખીયાળીથી માંડવી-અમદાવાદવાળી બસમાં સુરેન્દ્રનગર સુધી આવ્યા હતા. જે બાદ બપોરના સાડા ત્રણેક કલાકના અરસામાં જીજે-૧૮-ઝેડ-૬૦૦૭ નંબરની સુરેન્દ્રનગર-બોટાદ એસટી બસમાં બેસીને તેઓ પાળિયાદ આવી રહ્યાં હતા અને સાંજના સવા પાંચક કલાકના અરસામાં પાળિયાદ પહોંચતા પાળિયાદ સાયલા ચોકડીથી બસ સ્ટેશન વચ્ચેના રસ્તે તેઓ બસમાંથી ઉતરવા કપાડાના થેલા લઈ રહ્યાં હતા તે દરમિયાન તેમની પાસે રહેલા પર્સ કે જેમાં રૂ.૪,૨૮,૧૩૦ની કિંમતના ઘરેણાં અને રોકડ રકમ હતી તે પર્સને તેના દિકરા વિરેન્દ્રસિંહના હાથમાં આપ્યું હતું અને પાળિયાદ બસ સ્ટેશન આવી જતાં તેઓ તથા તેમના મામાની દિકરી અને તેમનો દિકરો સામાન લઈને નીચે ઉતર્યાં અને જોયું તો તેમના દિકરાના હાથમાં આપેલું સોનાના ઘરેણાં અને રોકડ ભરેલું પર્સ તેના હાથમાં નહોતું જે અંગે તેમના ૧૨ વર્ષિય દિકરાને પુછતા તેણે જણાવ્યું કે, બસમાં કોઈક મારી પાસેથી પર્સ ચોરી કરી લઈ ગયું છે. બનાવ બાદ લાંબી શોધખોળ છતાં પર્સ નહી મળતા અંતે પાળિયાદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.