જેઠાભાઈ ભરવાડ નાફેડના ચેરમેન તરીકે બિનહરીફ ચૂંટાયા, ગુજરાતના બે સહિત 21 ડિરેક્ટરોએ કર્યું મતદાન
Nafed Election 2024: નેશનલ એગ્રિકલ્ચર કો ઓપરેટિવ માર્કેટિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયા (નાફેડ)ના ચેરમેન તરીકે જેઠાભાઈ ભરવાડ (Jethabhai Bharwad) ચૂંટાયા છે. દિલ્હીમાં દેશના સહકારી ક્ષેત્રની મહત્ત્વની ગણાતી નાફેડની ચૂંટણી યોજાઈ હતી.
જેઠાભાઈ ભરવાડ બિનહરીફ ચૂંટાયા
ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ જેઠાભાઈ ભરવાડ (Jethabhai Bharwad) કે જેમના માટે દિલીપ સંઘાણીએ તેમની બેઠક ખાલી કરી હતી, તેઓ નાફેડની ડિરેક્ટરોની બોર્ડ મીટિંગમાં ચેરમેન તરીકે બિનહરીફ ચૂંટાયા હતા. નોંધનીય છે કે જેઠાભાઈ ભરવાડ પંચમહાલ ડેરીના ચેરમેન અને પીડીસી બેંકના ચેરમેન પણ છે. મોહન કુંડારિયાને નાફેડના ચેરમેન પદ માટેના પ્રબળ દાવેદાર માનવામાં આવી રહ્યા હતા.
ગુજરાતના બે સહિત 21 ડિરેક્ટરોએ મતદાન કર્યું
દિલ્હી ખાતે નાફેડના ચેરમેન પદ માટે મતદાન યોજાયું હતું. જેમાં ગુજરાતના બે સહિત કુલ 21 ડિરેક્ટરોએ આ ચૂંટણીમાં મતદાન કર્યું છે. જેમાં રાજકોટના સાંસદ મોહનભાઈ કુંડારિયા સહિત ગુજરાતના બે ડિરેક્ટરોએ મતદાન કર્યું છે.અગાઉ ખેડૂતોની સૌથી મોટી સહકારી સંસ્થા ઇફ્કોમાં ચેરમેન તરીકે દિલીપ સંઘાણી તરીકે બિનહરીફ ચૂંટાયા હતા.
ઇફ્કોના ચેરમેન તરીકે દિલીપ સંઘાણીની નિયુક્તિ થઈ હતી
ઇફ્કોના ચેરમેન અને વાઇસ ચેરમેનની નિયુક્તિ માટે 21 ડિરેક્ટરોની બોર્ડ મિટિંગમાં દિલીપ સંઘાણીની ચેરમેન તરીકે બીજી વખત નિયુક્તિ કરાઈ હતી. તો ઇફ્કોના બોર્ડ ઓફ ડિરેક્ટર તરીકે બે ટર્મથી જયેશ રાદડિયાની જીત થઈ હતી. જણાવી દઈએ કે, આ વર્ષે સહકારી ક્ષેત્રમાં ઉમેદવારની પસંદગીમાં મુશ્કેલી ઉભી થઈ હતી. જેમાં ભાજપે બીપિન પટેલને મેન્ડેટ આપ્યું હતું. છતાં જયેશ રાદડિયાએ ભાજપના મેન્ડેટ સામે ફોર્મ ભર્યું હતું. જેને લઈ જયેશ રાદડિયા અને બીપિન પટેલ તેમજ મોડાસાના પંકજ પટેલ વચ્ચે જંગ હતો.
ઇફ્કોમાં ડિરેક્ટર પદ પર જયેશ રાદડિયાની જીત થઈ હતી
ઇફ્કોમાં ડિરેક્ટર પદ માટે યોજાયેલી ચૂંટણીમાં જયેશ રાદડિયાની જીત થઈ હતી. કુલ 182 મતદારો હતા, જેમાંથી 180 મતદારોએ મતદાન કર્યું હતું. જયેશ રાદડિયાને 114 મત અને બીપિન પટેલને 66 મત મળ્યા હતા.