JEE મેઈનનું પરિણામ જાહેર, વડોદરાનો આદિત ભાગાડે 100માંથી 100 પર્સેન્ટાઈલ સાથે દેશમાં 14મા ક્રમે
JEE MAIN Result : નેશનલ ટેસ્ટિંગ એજન્સી દ્વારા તાજેતરમાં લેવાયેલી જેઈઈ મેઈનની બીજી પરીક્ષાના પરિણામની આજે જાહેરાત થઈ છે. જેમાં વડોદરાના આદિત ભાગાડેએ 100માંથી 100 પર્સેન્ટાઈલ સાથે આખા દેશમાં 14મો ક્રમ અને વડોદરામાં પહેલો ક્રમ મેળવ્યો છે. આદિતના ગણિતમાં 100માંથી 100 માર્કસ, કેમેસ્ટ્રીમાં 100માંથી 100 માર્કસ અને ફિઝિક્સમાં 100માંથી 100 માર્કસ છે. જ્યારે કુલ માર્કસ સરખા હોય ત્યારે પહેલા ગણિતમાં, એ પછી ફિઝિક્સમાં કોના વધારે માર્કસ છે તે જોવામાં આવે છે અને તેના આધારે રેન્ક નક્કી થાય છે. એ ગણતરીના આધારે આદિતને દેશમાં 14મો ક્રમ મળ્યો છે.
આ પહેલા જેઈઈ મેઈનની પહેલા એટેમ્પટની પરીક્ષામાં પણ આદિતે 99.99 પર્સેન્ટાઈલ મેળવ્યા હતા. તેણે કહ્યું હતું કે, 99.99 પર્સેન્ટાઈલ મળ્યા હોવાથી માતા પિતાએ તો મને હવે એડવાન્સની પરીક્ષાની તૈયારી કરવાની અને બીજી વખત જેઈઈ મેઈન નહીં આપવાની સલાહ આપી હતી પરંતુ મેં પ્રેક્ટિસ માટે બીજી વખત પણ જેઈઈ મેઈનની પરીક્ષા આપવાનું નક્કી કર્યું હતું અને તે વખતે મને એવી આશા નહોતી કે 100માંથી 100 પર્સેન્ટાઈલ આવશે. કારણકે હું મુખ્યત્વે જેઈઈ એડવાન્સ માટે તૈયારી કરી રહ્યો છું.
વડોદરામાંથી 8000 કરતા વધારે વિદ્યાર્થીઓએ જેઈઈ મેઈનની પરીક્ષા આપી હોવાનો અંદાજ છે. જેઈઈ મેઈનની બીજી પરીક્ષા બાદ હવે જેઈઈ એડવાન્સની પરીક્ષા માટે જનરલ કેટેગરી માટે 93.10 પર્સેન્ટાઈલ, ઓબીસી માટે 79.67 પર્સેન્ટાઈલ, એસસી માટે 60.09 અને એસટી માટે 46.69 કટ ઓફ જાહેર થયું છે. મહત્વનું છે કે આદિત ભાગાડેના માતા અને પિતા બંને ડોકટર છે. આમ છતા તેને ગણિત વધારે પસંદ હોવાથી એન્જિનિયરિંગનો અભ્યાસ કરવાનું પસંદ કર્યું હતું.