નવાગામની સીમમાં પાણીની લાઇન તૂટી જતાં જેસીબી ઓપરેટર પર હુમલો
- થાનના પોલીસ મથકે પતિ-પત્ની સામે ગુનો
- દંપતિએ જેસીબી ઓપરેટરને પથ્થરના ઘા ઝીંકી ઈજા પહોંચાડી જેસીબીને નુકસાન કર્યું
સુરેન્દ્રનગર : થાનના નવાગામની સીમમાં વાડીમાં પાણીની પાઈપલાઈન નાંખવાની કામગીરી દરમિયાન પાઈપલાઈન તુટી જતા દંપતિએ ેસીબીના ચાલક સાથે મારમારી કરી હતી. જેસીબીને નુકસાન પહોંચાડતા દંપતિ સામે ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
થાનના સોનગઢ ગામે રહેતા અને પાણી પુરવઠામાં કોન્ટ્રાક્ટર તરીકે કામ કરતા માવુભાઈ લાધુભાઈ જળુએ સવારના સમયે અભેપરથી નવાગામ વચ્ચે કાચા રસ્તા પર પાણીની પાઈપલાઈન નાંખવાની કામગીરી કરી રહ્યા હતા. પાણીની લાઈન નાંખતી વખતે ખોદકામ શરૂ હતું ત્યારે નવા ગામની સીમમાં આવેલ દેવજીભાઈ સોમાભાઈ મગવાનીયાની વાડીમાં પાણીની પાઈપલાઈન તુટી જતા જેસીબીના ઓપરેટર ગણપતભાઈ રાણાભાઈ કાંજીયા સાથે બોલાચાલી કરી હતી અને છુટા પથ્થરના ઘા ઝીંકી હાથે-પગે ઈજાઓ પહોંચાડી હતી. તેમજ જેસીબી મશીનના કેબીનનો આગળનો તેમજ એક તરફનો કાચ તોડી નુકસાન પહોંચાડયું હતું. આ મામલે ભોગ બનનાર કોન્ટ્રાક્ટરે થાન પોલીસ મથકે દેવજીભાઈ સોમાભાઈ મગવાનીયા અને તેમના પત્ની બંને (રહે.નવાગામ, તા.થાન) સામે ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.