જયશ્રીબેન દુબઇ પરત ફરે તે પહેલાં જ કાળનો કોળિયો બની ગયા

વારસિયા વિસ્તારમાં ગણેશનગરમાં રહેતા જયશ્રીબેન દુબઇમાં ગુજરાતી પરિવારને ત્યાં ઘરકામ કરતાં હતાં

Updated: Apr 17th, 2024


Google NewsGoogle News
જયશ્રીબેન દુબઇ પરત ફરે તે પહેલાં જ કાળનો કોળિયો બની ગયા 1 - image

વડોદરા, તા.17 વડોદરા-અમદાવાદ એક્સપ્રેસ હાઇવે પર નડિયાદ પાસે એક અર્ટિકા કાર રોડ પર ઉભેલી ટેન્કરમાં ઘૂસી જતાં સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં વડોદરાના વારસિયા વિસ્તારમાં ગણેશનગર ખાતે રહેતાં જયશ્રીબેન મનોજભાઇ મિસ્ત્રી તા.૨૦ એપ્રિલના રોજ દુબઇ જવાના હતાં પરંતુ તેઓ દુબઇ જવા રવાના થાય તે પહેલાં આ અકસ્માતમાં કાળનો કોળિયો બની ગયા હતાં.

ઉલ્લેખનીય છે કે જયશ્રીબેન મિસ્ત્રી વડોદરાના છાણી વિસ્તારના મૂળ રહીશ અને હાલ દુબઇમાં રહેતા ગુજરાતી પરિવારમાં ઘરકામ કરતાં હતાં. તેમના પતિ મનોજભાઇ રિક્ષા ચલાવે છે જ્યારે પુત્ર આશિષ કોસ્મેટિક વ્યવસાય સાથે સંકળાયેલો છે. જયશ્રીબેન પુત્રવધૂ પ્રિયંકાબેન ગર્ભવતી હોવાથી દુબઇથી તા.૨૧ ફેબુ્રઆરીના રોજ વડોદરા આવ્યા હતાં અને પ્રિયંકાબેને પુત્રીને જન્મ આપ્યા બાદ તેઓ તા.૨૦ એપ્રિલે પરત દુબઇ જવાના હતાં.

નડિયાદ પાસે અકસ્માતના બનાવમાં તેમના મૃત્યુના સમાચાર ગણેશનગરમાં ફેલાતા લોકો શોકમાં ડૂબી ગયા  હતાં. જયશ્રીબેનના પુત્રવધૂ પ્રિયંકાબેને કહ્યું હતું કે આજે બપોરે મારા પતિ આશિષ જ સાસુને અમદાવાદ જવાનું હોવાથી અમિતનગર સ્ટેન્ડ પર મૂકી ગયા  હતાં. થોડા કલાકમાં જ અકસ્માતના બનાવની જાણ થતાં મારા પતિ અને સસરા બંને નડિયાદ જવા રવાના થઇ ગયા છે. તેમણે કહ્યું હતું કે મારા સાસુ દર ત્રણ-ચાર મહિને રજા લઇને ઘેર આવતાં હતા પરંતુ આ રજા તેમની અંતિમ બની ગઇ છે. ઉલ્લેખનીય છે કે તેમના ઘરમાં જયશ્રીબેનના ૮૫ વર્ષના સાસુ વિદ્યાબેનને  હજી સુધી જયશ્રીબેનના મોતની જાણ કરાઇ નથી.




Google NewsGoogle News