'ભાજપના જ પૂર્વ ધારાસભ્યએ કોંગ્રેસના સમર્થનમાં કરાવ્યું મતદાન', અરવિંદ લાડાણીએ સી.આર.પાટીલને લખ્યો પત્ર
Manavadar Politics : અમરેલી બાદ હવે જૂનાગઢ ભાજપમાં ભડકો થયો છે. માણાવદરની પેટાચૂંટણીમાં ભાજપના ઉમેદવાર અરવિંદ લાડાણીએ પૂર્વ ધારાસભ્ય જવાહર ચાવડા દ્વારા પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરાયાની ફરિયાદ કરી છે. અરવિંદ લાડાણીએ આ અંગે ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલને પત્ર લખ્યો છે. જણાવી દઈએ કે, અરવિંદ લાડાણી કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયા ત્યારથી જ જવાહર ચાવડાની નારાજગી સામે આવી હતી. જોકે, હવે મતદાન પહેલા જવાહર ચાવડાએ વિરોધ પક્ષને મતદાન આપવા કહ્યું હોવાનો આરોપ લાગ્યો છે. 4 મે ના રોજ કાર્યકર્તાઓને ભાજપ ઉમેદવાર વિરૂદ્ધ મતદાન કરવા બેઠક બોલાવી હોવાનો પત્રમાં ઉલ્લેખ કરાયો છે. જવાહર ચાવડા વિદેશ હોવાની વાતો વચ્ચે પ્રચાર પ્રસારથી દૂર હતા.
અરવિંદ લાડાણીએ જવાહર ચાવડા અને તેમના પુત્ર સામે કરી ફરિયાદ
અરવિંદ લાડાણીએ પત્ર લખવાની સાથે એક વીડિયો પણ જાહેર કર્યો છે. જેમાં તેઓ કહી રહ્યા છે કે, 'તાજેતરમાં લોકસભા અને વિધાનસભા ચૂંટણી યોજાયેલ. તેમાં માણાવદરના માજી ધારાસભ્ય જવાહર ચાવડાના પુત્ર રાજ ચાવડાએ તેમની માલિકીની નુતન જીનીંગ ફેક્ટરીમાં 800-1000 કાર્યકરોની મિટિંગ બોલાવી હતી. જેમાં તેમણે કાર્યકર્તાઓને કહ્યું હતું કે મારા પપ્પાની હારનો બદલો લેવાનો છે. એટલે ભાજપના ઉમેદવારને હરાવવાના છે અને કોંગ્રેસના ઉમેદવારને જીતાડવાના છે. આ મીટિંગમાં માણાવદર તાલુકા ભાજપના પ્રમુખ, જિલ્લા પંચાયત સભ્યના સસરા. શહેર ભાજપ મહામંત્રી હાજર હતા. ચૂંટણીના દિવસે પક્ષ વિરોધી કરીને મને હરાવવાના પ્રયાસ કરેલ. આ અંગે મેં પાટીલને લેખિત જાણ કરી છે.'
અરવિંદ લાડાણીએ ભાજપ પ્રદેશ પ્રમુખને લખ્યો પત્ર
જય ભારત સાથ જણાવવાનું કે 11 પોરબંદર લોકસભાની ચુંટણી તથા 85 માણાવદર વિધાનનસભાની ચૂંટણીમાં છેલ્લા દિવસોમાં ગુજરાત રાજ્યના માજી કેબીનેટ મંત્રી જવાહર ચાવડા દ્વારા તેમના દીકરા તથા તેમના પત્નીને આગળ રાખીને માણાવદર શહેરમાં તા. 04-05-2024 ના રોજ તેમની નુતન જીનીંગ ફેક્ટરીમાં તેમના નજીકમાં અંદાજે 700 થી 800 કાર્યકરોની સાંજે મીટીંગ બોલાવી ભારતીય જનતા પાર્ટીના લોકસભાના ઉમેદવાર મનસુખ માંડવીયા તેમજ ધારાસભાના ઉમેદવાર તરીકે મારો નામ જોગ ઉપયોગ કરીને અમારી વિરુદ્ધ કોંગ્રેસની તરફેણમાં મતદાન કરવાની હાકલ જવાહર ચાવડાના દીકરા રાજ ચાવડાએ કરી હતી. તેમજ તા. 06-05-2024 ના રોજ નુતન જીનીંગ ફેક્ટરીમાં વેપારી સંમેલન બોલાવ્યું હતું અને જમણવાર રાખ્યું હતું. તેમજ કોંગ્રેસના ઉમેદવારને ટેકો જાહેર કરી મત આપવાની અપીલ જવાહરભાઇ ચાવડાના દીકરા રાજ ચાવડાએ કરી હતી.
આ ઉપરાંત તા.07-04-2024 ના રોજ મતદાનના દિવસે જવાહરભાઇ ચાવડાના દીકરા રાજભાઇ ચાવડાએ માણાવદર-વંથલી-મેંદરડા તાલુકાના ગામડાઓમાં પ્રવાસ કરીને કોંગ્રેસની તરફેણમાં મતદાન કરવાની અપીલ કરવા તેમના ટેકેદારો સાથે મેંદરડા તાલુકા કોંગ્રેસના પ્રમુખ ધીરૂ કુંભાણી સાથે નીકળ્યા હતા અને મેંદરડા તાલુકાના પાંચ ગામડાઓમાં મે બુથ પાસે રૂબરૂ જોયા હતા. આ ઉપરાંત માણાવદર તાલુકા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ ગોવિંદ સવસાણી, માણાવદર તાલુકા ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી જગદીશ મારૂ તેમજ જુનાગઢ જીલ્લા પંચાયતના બાળવિકાસ સમીતીના અઘ્યક્ષ રીનાબેન હિતેષભાઇ મારડીયાના સસરા જીવાભાઈ કરશનભાઇ મારડીયા તથા માણાવદર શહેર ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી વિક્રમસિંહ મનુભા ચાવડાએ પણ ખુલ્લેઆમ ભારતીય જનતા પાર્ટીની વિરૂદ્ધમાં કામ કરી અને પક્ષને નુકશાન થાય તેવી પ્રવૃતિ કરી હતી.
એક સમયે જવાહર ચાવડા અને અરવિંદ લાડાણી ખુબ નજીક ગણાતા હતા
માણાવદરના પૂર્વ ધારાસભ્ય જવાહર ચાવડા જ્યારે કોંગ્રેસમાં હતા ત્યારે અરવિંદ લાડાણી તેમના ખુબ જ નજીકના ગણાતા હતા. ત્યારબાદ જવાહર ચાવડાએ ગત લોકસભાની ચૂંટણીમાં ભાજપ પ્રવેશ કર્યો ત્યારે તેની સામે કોંગ્રેસમાંથી અરવિંદ લાડાણી જ ચૂંટણી લડ્યા હતા. તેમાં અરવિંદ લાડાણીનો પરાજય થયો અને જવાહર ચાવડા કેબિનેટ મંત્રી બન્યા હતા. બાદમાં ગત વિધાનસભાની ચૂંટણીમાં ફરીવાર અરવિંદ લાડાણી કોંગ્રેસમાંથી અને જવાહર ચાવડા ભાજપમાંથી સામસામે ચૂંટણી લડ્યા હતા. જેમાં જવાહર ચાવડાનો કારમો પરાજય થયો હતો. હવે એ જ લાડાણી ભાજપમાં જ જોડાઈ જતા જવાહર ચાવડા નારાજ હોવાની ચર્ચાએ જોર પકડ્યું હતું.