જસદણમાં 33 ટકા વ્યાજે રૂપીયા આપી યુવાન પાસેથી 10 લાખ પડાવી લીધા
શહેરમા વકરેલી વ્યાજખોરીના દૂષણમાં અનેક સીધા સાદા લોકો ફસાયા : 2 કાર, મોબાઈલ ઝુંટવી લીધા, 2 પ્રોમિસરી નોટ લખાવી 5 કોરા ચેક પડાવી લેતાં પ શખ્સો સામે મનીલૈન્ડ એક્ટ હેઠળ ફરિયાદ
જસદણ, : જસદણમાં યુવાનને 33 ટકા વ્યાજે રૂપીયા આપી યુવાન પાસેથી રૂ. 10 લાખ પડાવી બે કાર, મોબાઈલ ઝુંટવી બે પ્રમોશરી નોટ લખાવી પાંચ કોરા ચેક પડાવી લેતાં જસદણ પોલીસે વ્યાજખોર સામેની મુહિમ અવિરત રાખી મનીલેન્ડ એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.બનાવ અંગે જસદણમાં ગંગાભુવન શાંતિનિકેતન સ્કૂલની બાજુમાં રહેતાં મિલનકુમાર રાજુ મોખા (ઉ.વ. 23) એ નોંધાવેલ ફરીયાદમાં આરોપી તરીકે કિશોર ઉર્ફે કિશન વાઘેલા (રહે. કનેસરા), અક્ષય ભરત મોખ, નરેશ ઉર્ફે નાગરાજ ધાંધલ (રહે. બંને ઊંટવડ, બાબરા), રઘા શિવરાજ દરબાર (રહે. કરણુકી,બાબરા) અને એક અજાણ્યાં શખ્સનું નામ આપતાં જસદણ પોલીસે મનીલેન્ડ સહિતની કલમ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
જસદણના મીલન મોખા નામના ફરિયાદીએ જણાવ્યું હતું કે, નવેક મહીના પહેલા નાફેડમાં સેલીંગમાં કમીશન તરીકે કામ કરતો હતો ત્યારે સેલીંગ માટે ચાર ગાડી ભાડે લીધેલ હતી.જેથી તે પૈસા ચુકવવાના હતા જેથી કનેસરાના કિશોર વાઘેલા પાસેથી ે એક લાખ રૂપીયા વ્યાજે લીધા હતા. તેને એક મહીનાનું રૂ.૩૩ હજાર વ્યાજ નકકી થયું હતુ. આ નાણાની ૨૫ દીવસમાં વ્યાજની ઉઘરાણી કરતાં રૂ. 33000 વ્યાજ અને એક લાખ મુળ રકમ પરત કરેલ હતી.
દસ દીવસ બાદ વધુ પૈસાની જરૂરીયાત પડતા કિશોર વાઘેલા પાસેથી રૂ. 1.50 લાખ લીધેલ અને તેનું મહીને રૂ.૫૬ હજાર વ્યાજ ચુકવવાનું કહેલ હતુ. ત્યારબાદ મહીનો થતા તેને ઉધરાણી કરેલ કે, તુ મને પૈસા આપી દે પછી તારે વધારે પૈસાની જરૂરીયાત પડશે તો તને પાછા આપીશ, જેથી તેને મીત્ર સાગરભાઇ ટાઠાણી ઉછીના લઈ વ્યાજખોર કિશોરને રૂપીયા પરત આપ્યાં હતાં અને તે જ દિવસે રૂ. 2 લાખ તેમની પાસેથી લીધેલ હતા. તેનું મહીનાનું રૂ. 74,000 વ્યાજ કહેલ હતુ.એક મહીના બાદ રૂ. 2.74 લાખ મુળ રકમ અને વ્યાજ ચુકવેલ હતુ. ત્યારબાદ તેમની પાસેથી રૂ. 2 લાખ વ્યાજે લીધેલ હતાં. જેનું વ્યાજ રૂ. 63,000 આપતો હતો. બાદમાં તેમની પાસે વ્યાજ ચુકવવાના પૈસા ના હોય જેથી મોટાબાપુના દીકરા અક્ષય મોખાને વાત કરતા કહેલ કે, તને પૈસા મળી જશે પરંતુ તારે તારી ઇકો ગાડી આપવી પડશે જેથી તેમની ઇકો ગાડી અક્ષયને આપેલ અને તેમની પાસેથી રૂ. 1 લાખ મહીને ૧૦ % વ્યાજે લીધેલ હતા. જે રૂપીયા વ્યાજખોર કિશોરને ચૂકવેલ હતાં. ઉપરાંત રૂ. 4.50 લાખ મુળ રકમ બાકી હતી.આરોપી અક્ષયને ચાર મહીના સુધી 10% નું રૂ. 40,000 વ્યાજ ચુકવેલ હતું.ત્યારબાદ કિશોરને રૂ. 4 લાખનું રૂ. 1.58 લાખ વ્યાજ ચુકવવાનું હતુ જે વ્યાજની પેનલ્ટી સાથે ઉઘરાણી કરતા અક્ષયને વાત કરતા તેને વાહન આપવા કહેતા તેને બુલેટ અને બીજી ઇકો ગાડી અક્ષય મોખાને આપેલ અને તેના બદલામાં રૂ. 3 લાખ મહીને 10 % વ્યાજ લેખે આપેલ હતા. ત્યારબાદ વ્યાજ ચુકવવાના પૈસા ન હોય જેથી કિશોર તથા અક્ષયને પૈસા નહી હોવાનું જણાવતા તેઓએ વ્યાજની ઉઘરાણી માટે ધમકીઓ આપતા કિશોરે તેમના બે મોબાઇલ ફોન ધમકી આપી લઇ લીધેલ હતા. દશેક દીવસ પહેલા તે જસદણ હતો.
ત્યારે કિશોરનો ફોન આવેલ અને ગાળો આપી કહેલ કે, રૂ. 4લાખ મુળ રકમ તથા તેનું વ્યાજ આપ નહીતર અમારી સાથે ચાલ તુ અમે કહીએ ત્યા લખાણ કરી દે નહીતર જાનથી મારી નાખીશુ તેમ ધમકી આપી ગોંડલ વકીલની ઓફીસે બોલાવેલ અને ત્યા ઉછીના પૈસાની બે પ્રોમીસરી નોટ લખાવેલ તેમજ તેમજ આટગા કારનું લખાણ તેમજ સહીવાળા રકમ ભર્યા વગરના 5 ચેક લઈ લીધેલ હતા.ઉપરાંત આરોપીએ સમયસર વ્યાજ ચુકવી આપવા કહેલ હતુ નહીતર ચેક રીટર્ન કરાવશે તેમજ છેતરપીંડી અરજી અલગ અલગ પોલીસ મથકે કરીશું આખરે આ વ્યકિતએ વ્યાજખોરોથી તંગ આવી જતાં પોલીસમાં ફરિયાદ નોંધાવી દેતા બનાવ અંગેની ફરીયાદ પરથી જસદણ પોલીસે ગુનો નોંધી અરોપીની શોધખોળ હાથ ધરી હતી.