જસદણ પંથકની પરિણીતાને કનેસરાના શખ્સે હવસનો શિકાર બનાવતાં ધરપકડ
યુવતી સાથે ઘરોબો બાંધી : 2 મહિના પહેલા મોબાઈલ ફોનથી સંપર્ક કર્યા બાદ જુદા જુદા સ્થળે લઈ જઈ વારંવાર દૂષ્કર્મ આચરી ધમકી આપી હતી
જસદણ, : જસદણ પંથકમાં દુષ્કર્મની ઘટના સામે આવી હતી. જેમાં પરિચિત શખ્સે પરિણીતા પર દુષ્કર્મ આચર્યું હોવાની વિગતો બહાર આવતા પંથકમાં ખળભળાટ મચી ગયો હતો. આ બનાવ અંગે ભાડલા પોલીસ મથકે ગુનો દાખલ થયો હતો. જેમાં ધાક-ધમકી આપી જુદા-જુદા સ્થળે બોલાવી મરજી વિરૂદ્ધ કુકર્મ આચર્યું હોવાનો પરિણીતા દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો હતો. આ દુષ્કર્મના બનાવમાં ભાડલા પોલીસે પશુપાલન કરતા આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
આ બનાવ અંગે મળતી વિગત મુજબ, રાજકોટ જિલ્લાના જસદણ તાલુકામાં આવતા કનેસરા ગામના આરોપીની અટકાયત કરવામાં આવી છે. જેમાં ભાડલા પોલીસ મથકે 4 સંતાનોની માતા અને 32 વર્ષીય પરિણીતાએ ફરિયાદ નોંધાવી હતી કે, 2 મહિના પહેલા આરોપી શખ્સએ તેનો સંપર્ક કર્યો હતો અને મોબાઈલ ફોનમાં વાત કરી હતી. બાદમાં એકલતાનો લાભ લઈ દુષ્કર્મ આચરેલ હતું. કોઈને વાત ન કરવાની પણ ધમકી આપવામાં આવી હતી. જેથી બદનામીના ડરે પરિણીતાએ કોઈને વાત કરી નહોતી. આ પછી અવાર-નવાર જુદી-જુદી જગ્યાએ બોલાવીને બળજબરી પૂર્વક પરિણીતા સાથે દુષ્કર્મ આચર્યું હતું. આ બનાવમાં પરિણીતાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો કે આરોપીએ તેની મરજી વિરૂદ્ધ અનેક વખત શરીર સંબંધ બાંધ્યો હતો. આ ફરિયાદ મળતા ભાડલા પોલીસ મથકના પીએસઆઈ એ. એન. કામળીયાએ બીએનએસ કલમ 64 (1) અને 64(2)(એમ) મુજબ ગુનો દાખલ કર્યો હતો. જે પછી રાજકોટ જિલ્લાના પોલીસ મહાનિરીક્ષક જયપાલસિંહ રાઠોડ, ડીવાયએસપી કે. જે. ઝાલાની સૂચના અને માર્ગદર્શન મુજબ ભાડલા પોલીસે આરોપીની અટકાયત કરી હતી.
આ દુષ્કર્મના બનાવમાં સૂત્રોએ જણાવ્યું હતું કે, આરોપી યુવક ભોગ બનનારનો પરિચિત છે. જેથી અવાર-નવાર તેણીનો સંપર્ક કરવા પ્રયાસ કર્યો હતો. પછી મોબાઈલ નંબર મેળવી ફોન પણ કરતો હતો અને મળવા માટે દબાણ પણ કરતો હતો. બાદમાં સંપર્ક વધારી અલગ-અલગ જગ્યાએ હવસ સંતોષી હતી. જેથી ભાડલા પોલીસે ભોગ બનનારના આક્ષેપ મુજબ ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.