જંત્રી દર સમગ્ર પ્રજાજનને સ્પર્શે છે, રી-સર્વે કરાવવા માંગણી
- સૂચિત જંત્રી માત્ર બિલ્ડર્સ, ડેવલપર્સ, જમીન માલિકો, ખેડૂતો પૂરતી સીમિત નથી : ક્રેડાઇની કલેકટરને રજૂઆત
સુરત
ગુજરાત સરકારની સુચિત જંત્રી-૨૦૨૪ ના તોંતિગ દરના વિરોધમાં આજે સુરત ક્રેડાઇ દ્વારા જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવીને જંત્રી એ માત્ર બિલ્ડર્સ, ડેવલપર્સ, જમીન માલિકો, ખેડુતો પુરતો સીમિત નથી. આ મુદ્વો સમ્રગ પ્રજાજને સ્પર્શ કરતો હોય રી-સર્વે કરીને જંત્રીમાં જે ભારે વિસંગતતાઓ છે. તે દૂર કરવા માંગ કરાઇ હતી.
સને ૨૦૧૧ માં જંત્રીના નવા દરો લાગુ કર્યા બાદ ૨૦૨૩ માં જે પણ જંત્રીના દરો હતા. તે દર ડબલ કરી દેવાયા હતા. ત્યારબાદ છેક ૨૦૨૪ માં નવી સુચિત જંત્રી જાહેર કરાઇ છે. અને જાહેર કરેલા દરોને લઇને કોઇને પણ વાંધા-સુચનો હોય તો ઓનલાઇન મંગાવાયા છે. જો કે આ જંત્રીના દરો ખેડુતો, બિલ્ડરો, ડેવલપર્સોની ધારણા અસહય છે. ખાસ કરીને શહેરની ફરતેના સુડાના ગામોમાં તો ૮૦૦ ટકા સુધીનો વધારો છે. આ વધારાને લઇને આજે સુરત ક્રેડાઇના ચેરમેન સંજય માંગુકીયા, પ્રમુખ જીજ્ઞોશ પટેલ સહિત હોદેદારોએ જિલ્લા કલેકટર ડૉ.સૌરભ પારધીને આવેદનપત્ર પાઠવીને રજુઆત કરી હતી કે જંત્રી સાયન્ટીફિક રીતે તૈયાર કરાઇ નથી. આનો અમલથી સરવાળે ખેડુતો, મિલ્કત ખરીદનારા, સામાન્ય પ્રજા અને ડેવલપર ઉપર વધારાનું અતિશય આર્થિક ભારણ વધશે. ખાસ કરીને સુચિત જંત્રીમાં દર્શાવેલ બે ગામ કે બે ઝોનને અડીને આવતા અલગ અલગ ગામ કે ઝોનની જમીનો અંગે દર્શાવેલ સુચિત દરમાં ખૂબ જ અસમાનતા છે. આથી દરેક વેલ્યુ ઝોનની સાથે તેના નકશાઓ પણ જાહેર કરવા જોઇએ. જેથી આવા અસમાન દરની સરખામણી કરીને સ્થિતિને અનુરૃપ વાસ્તવિક દર મેળવી શકાય. વધુમાં જંત્રીએ માત્ર બિલ્ડર્સ, ડેવલપર્સ, જમીન માલિકો, ખેડુતો પુરતી સીમિત નથી. આ મુદ્વો સમ્રગ રાજયની પ્રજાને સ્પર્શતો હોવાથી જંત્રીના દર નક્કી કરતા તજજ્ઞાોને લઇને રી-સર્વે કરાવીને દરો જાહેર કરવા જોઇએ. અમોને ન્યાય ના મળે તો આંદોલન કરવાની જરૃર પડશે તો તે પણ તૈયાર છીએ.