વડોદરામાં પૂર પીડિતોને વળતર આપવા કોંગ્રેસ મેદાને, આવતીકાલે જન આક્રોશ રેલીનું આયોજન
Flood in Vadodara : વડોદરામાં વિશ્વામિત્રી નદીના પૂરે વેરેલા વિનાશથી લોકોને ભારે નુકસાન થયું છે, જેની સામે સરકાર દ્વારા પૂરતું વળતર આપવામાં આવ્યું નથી. જેના કારણે લોકોમાં ભારે રોષ છે. લોકોને નદીના વિનાશક પૂરથી થયેલા નુકસાન ભરપાય થાય તે માગણી સાથે વડોદરા શહેર કોંગ્રેસ દ્વારા તારીખ 12 ના રોજ જન આક્રોશ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં પ્રદેશ અને રાષ્ટ્રીય નેતાઓ પણ ઉપસ્થિત રહેશે.
જન આક્રોશ રેલી તારીખ 12 ના રોજ બપોરે 1:00 વાગે સયાજીનગર ગૃહ અકોટાથી નીકળશે અને કલેક્ટર ઓફિસ જશે, જ્યાં આવેદનપત્ર સુપ્રત કરવામાં આવશે. કોંગ્રેસનું કહેવું છે કે સરકાર દ્વારા પૂરને લીધે થયેલા નુકસાનના વળતરની છે ઘોષણા કરાય છે, તે માત્ર મજાક સમાન છે. આજે પણ શહેરના ઘણા એવા વિસ્તારો છે જ્યાં આર્થિક સહાય પહોંચી નથી. આર્થિક સહાયને માત્ર મજાકનું સાધન બનાવી દીધું છે. કોંગ્રેસે લોકોને જે નુકસાન થયું છે તે વિગતો જાણવા માટે એક ફોર્મ પણ લોન્ચ કર્યું છે, જેની વિગતો લોકોને અપલોડ કરવા કહેવાય છે.