'હિન્દુ-મુસ્લિમો વચ્ચે થઈ રહેલા દુરાચારથી ડર લાગે છે': દેશ-દુનિયાની સ્થિતિ અંગે જામસાહેબે વ્યક્ત કર્યું દુ:ખ
Jamsaheb Message on Republic Day: જામનગરના મહારાજા જામસાહેબ શત્રુશલ્યસિંહજી દ્વારા પ્રજાસત્તાક દિવસ નિમિત્તે મહત્ત્વપૂર્ણ સંદેશ આપવામાં આવ્યો છે. આ સંદેશમાં તેઓએ સાંપ્રદાયિક એકતાની વાત કરી છે. વર્તમાન સમયમાં હિન્દુ-મુસ્લિમ સંપ્રદાય વચ્ચે ચાલી રહેલા તણાવ વિશે જામસાહેબે પોતાની ચિંતા વ્યક્ત કરી છે.
જામનગરના મુસ્લિમો મારા ભાઈ-બહેનઃ જામસાહેબ
જામસાહેબે પ્રજાસત્તાક દિવસના સંદેશમાં લખ્યું કે, 'ભારત તેમજ વિશ્વના કેટલાંક ભાગોમાં હિન્દુ-મુસ્લિમ વચ્ચે થઈ રહેલા અસહ્ય દુસાહસોથી હું ખૂબ જ ભયભીત છું. જોકે, હું ભયાનક દુર્ઘટનામાં ન પડવાનું પસંદ કરું છું. કારણકે, જામનગરના મુસ્લિમો મારા ભાઈ-બહેનો છે. જેઓ સિંધ અને કચ્છથી અમારી સાથે આવ્યા હતા અને હંમેશા મારા પરિવાર પ્રત્યે વફાદાર રહ્યા છે, હું તેમની સંભાળ રાખવા માટે મારા શ્રેષ્ઠ પ્રયાસ કરીશ.'
નોંધનીય છે કે, જામસાહેબે પોતાનો સંદેશ જય માતાજીથી સમાપ્ત કર્યો હતો. આ સિવાય આ સંદેશથી તેઓએ સદ્ભાવના અને ધાર્મિક સહિષ્ણુતાનું ઉત્તમ ઉદાહરણ પૂરુ પાડ્યું છે.
કોણ છે જામસાહેબ શત્રુશલ્યસિંહજી?
શત્રુશલ્યસિંહજી ભૂતપૂર્વ ક્રિકેટર છે અને નવાનગરના મહારાજાનું બિરુદ ધરાવનારી છેલ્લી વ્યક્તિ છે. ક્રિકેટમાંથી નિવૃત્તિ બાદ 1972 સુધી શત્રુશલ્યસિંહજી સૌરાષ્ટ્ર ક્રિકેટ ઍસોસિયેશનના વડા હતા. તેઓએ 1958-59ની સિઝનમાં બોમ્બે સામે સૌરાષ્ટ્ર તરફથી રમતાં પ્રથમ-વર્ગમાં પ્રવેશ કર્યો હતો. શત્રુશલ્યસિંહજીએ 1959-60માં સૌરાષ્ટ્ર માટે ત્રણ, 1961-62માં ચાર અને 1962-63માં ચાર મેચ રમી હતી. આ સિવાય 1966-67માં રણજી ટ્રોફીમાં સૌરાષ્ટ્રના કૅપ્ટન તરીકેની પણ જવાબદારી સંભાળી હતી. તેમણે મોઇન-ઉદ-દૌલા ગોલ્ડ કપ ટુર્નામેન્ટની ફાઇનલમાં ભારતીય સ્ટારલેટ્સની કૅપ્ટનશિપ કરી હતી.
આ પણ વાંચોઃ ગુજરાતમાં ફરી વરસાદી ઝાપટાંની આગાહી, જાન્યુઆરીના અંતમાં ફરી ગગડશે પારો
જામસાહેબનું બિરુદ
નોંધનીય છે કે, જામસાહેબ એ નવાનગરના શાસક રાજકુમારનું બિરુદ છે, જે હવે ગુજરાતમાં જામનગર તરીકે ઓળખાય છે. જામસાહેબ રાજપૂતોના જામ જાડેજા કુળના હતા. જામ રાવલજી 1540માં નવાનગરના પહેલાં જામસાહેબ હતા. તેઓએ કચ્છમાંથી સ્થળાંતર કરીને હાલાર પ્રદેશમાં નવાનગરની સ્થાપના કરી હતી. જેમાં 999 ગામનો સમાવેશ થાય છે. જામ રાવલજીના આ વારસાને સંભાળનાર વ્યક્તિને જામસાહેબનું બિરુદ આપવામાં આવે છે.